કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “ચૂંટણી (Election) જીતવા માટે મતદારોના વિવિધ વર્ગોને રીઝવવા જરૂરી હોય છે. તેથી મતદારોના વિવિધ વર્ગો શું ઇચ્છે છે તે રાજકીય પક્ષો શોધતા હોય છે. મતદારોનાં વિવિધ જૂથો કયા અંગત લાભોથી પ્રેરાઈને મત આપશે તે અંગે રાજકીય પક્ષોની (Political party) અટકળો તેમના ચૂંટણી ઢંઢેરામાં જોવા મળે છે. ચૂંટણી ઢંઢેરા બે રીતે નોંધપાત્ર હોય છે. એક, તેમાં મતદારોનો કોઈ પણ નાનો કે મોટો વર્ગ નારાજ થાય એવી વાતો ટાળવામાં આવે છે. તેથી રાજ્ય કે રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલ માટે નાગરિકોએ કયા સ્વરૂપે કેટલી કિંમત ચૂકવવી પડશે તેનો કોઈ ઉલ્લેખ ઢંઢેરામાં કરવામાં આવતો નથી. બીજું, રાજ્ય કે પ્રદેશના ઉકેલ માગતા પ્રશ્નો અને પક્ષે તેના વિચારેલા ઉકેલો વિશે ખાસ કોઈ ચર્ચા ઢંઢેરામાં કરવામાં આવતી નથી. જે સમસ્યા અને તેનો સંભવિત ઉકેલ મતદારોના કોઈ મોટા વર્ગને આકર્ષી શકે તેમ હોય તેની જ વાત ઢંઢેરામાં કરવામાં આવે છે. ટૂંકમાં, રાજકીય પક્ષો તેમના ઢંઢેરા રાજ્ય કે રાષ્ટ્ર પ્રશ્નો અંગેની નિસબતથી પ્રેરાઈને તૈયાર કરતા નથી, પરંતુ મતદારોને આકર્ષવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને તૈયાર કરે છે.”
રાજકારણીઓ મતદાતાઓને આકર્ષવા માટે જે કંઈ કરે છે તે વિશે આટલું સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રમેશ બી. શાહે લખ્યું છે. છેલ્લા ચારેક દાયકામાં અર્થશાસ્ત્ર વિષયનાં અર્થપૂર્ણ લખાણો ગુજરાતીમાં ભાષામાં મળ્યાં તેમાં રમેશ બી. શાહનું મહામૂલું પ્રદાન છે. સરળ ભાષામાં અર્થશાસ્ત્રના અઘરાં મુદ્દાઓને તેમણે સમજાવ્યાં છે. ગત 2 ફેબ્રુઆરીના રોજ 87 વર્ષે રમેશ બી. શાહનું લાંબી બીમારી બાદ અવસાન થયું. શિક્ષણ અને પત્રકારજગતના વર્તુળમાં તેમના અવસાનની વિશેષ રીતે નોંધ લેવાઈ. રમેશ બી. શાહ સાંપ્રત પ્રવાહ વિશે લખતા રહ્યા. આર્થિક બાબતની તેમની ટિપ્પણીઓ ધ્યાન દઈને વાંચવા જેવી છે. 2022 સમયાંતરે તેમનાં લખાણો ‘ઓપિનિયન’ પોર્ટલ પર આજેય વાંચવા મળે છે, જે તેમણે મૂળે ‘નિરીક્ષક’ સામયિક માટે લખ્યા હતા. આ લેખોના કેટલાંક મથાળાં પર દૃષ્ટિ ફેરવી જવા જેવી છે : ‘દિલ્હીમાં આગની ઘટના : ‘ડોલ ભરીને વળતર’ નહીં ‘કાયદા રૂપી સેફ્ટી’ જરૂરી’, ‘ઘઉંની નિકાસબંધી : ખેડૂત, ગ્રાહક અને સરકારનું ત્રાજવું’, ‘સ્ત્રીઓ ગૃહિણી થવા જ સર્જાઈ છે?’, ‘ગુજરાતી નામોનું અંગ્રેજીકરણ’. સમયાંતરે વિવિધ અખબારોમાં અને વિચારપત્રોમાં પ્રકાશિત તેમના લેખોના સંગ્રહરૂપે ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ (ગુજરાતી સાહિત્ય પરિષદ – 2004) અને ‘અર્થવાસ્તવ’ (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – 2019) જેવાં વિચારપ્રેરક પુસ્તક મળ્યાં છે.
‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ નામના પુસ્તકમાં તેમનો એક લેખ છે : ‘રાજકીય વર્તનનું અર્થશાસ્ત્રીય વિશ્લેષણ’. આ લેખમાં રાજકારણીઓના વર્તન વિશે તેમણે તટસ્થ રીતે મૂલ્યાંકન કર્યું છે. આ લેખમાં તેઓ આગળ લખે છે : “ભારતમાં રાજકીય પક્ષોની સામે એક ટીકા સર્વસામાન્ય રીતે કરવામાં આવે છે : તેઓ દેશના સમાજનું જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, પ્રદેશ વગેરેના આધાર પર વિભાજન કરી રહ્યા છે. આ ટીકા દેખીતી રીતે સાચી જણાય છે, પરંતુ તેમાં થોડા ઊંડા ઊતરીને વિચારીશું તો જુદું ચિત્ર ઊપસી આવશે. કોઈ પણ સમાજની જેમ ભારતીય સમાજ પણ જ્ઞાતિ, કોમ જેવા વિવિધ આધારો પર વહેંચાયેલો છે. કામદારો અને ઉત્પાદકો તેમનાં મંડળો રચે છે. દેશમાં ભાગ્યે જ એવી કોઈ જ્ઞાતિ હશે જેનાં મંડળો ન હોય. દેશના વિવિધ પ્રદેશોમાં રહેતા લોકો તેમનાં પ્રોદેશિક હિતોનો જ વિચાર કરતા હોય છે. ….આવી જ લાગણી વિવિધ લઘુમતિઓની હોય છે, જેને એ લઘુમતિઓના અગ્રણીઓ પોતાની ‘સત્તા’ વધારવા માટે પોષતા હોય છે. દલિતો અને આદિવાસીઓને એમ લાગે છે કે તેમને ભારતીય સમજામાં વાજબી તકો મળતી નથી.”
લોકો પોતાના હિતોનો વિચાર કરે છે અને તેના પરિણામે રાજકીય પક્ષો કેવી રીતે તેનો લાભ લે છે તે અંગે રમેશભાઈ લખે છે : “રાજકીય પક્ષો લોકોની ઉપર્યુક્ત મનોદશાનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. લોકો તેમનાં સંગઠનો દ્વારા જે લાભો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે તે આપીને રાજકીય પક્ષો ચૂંટણી જીતવાનો વ્યૂહ ઘડે છે. રાજકારણમાં દબાવજૂથો તરીકે ઓળખાતાં વર્ગીય હિતો, રાજકીય પક્ષોની ચૂંટાઈ આવવાની ગરજનો લાભ લઈને ચૂંટણી પ્રસંગે તેમની માગણીઓ આગળ ધરતાં હોય છે, એ આપણે જાણીએ છીએ. વિવિધ વર્ગો, જૂથોમાં વહેંચાયેલા લોકો જો તેમનાં વર્ગીય હિતોથી દૂર જોવા તૈયાર ન હોય તો તેમના મત દ્વારા જેમને ચૂંટવાનું છે એ રાજકારણીઓ જુદી રીતે વર્તે એવી અપેક્ષા રાખવા માટે કોઈ કારણ નથી.”
લોકો અને રાજકારણીઓનું જે વરવું ચિત્ર રમેશભાઈએ દર્શાવ્યું છે તે દરેક ચૂંટણીમાં આપણી સમક્ષ આવે છે. એ રીતે તેઓ ચૂંટણીઓમાં થતાં ખર્ચ અંગે લખે છે : “ચૂંટણીઓમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ગંજાવર ખર્ચને જોઈને કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે તેને પરિણામે રાજકારણમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. ચૂંટણીમાં કરેલા ખર્ચનું વળતર મેળવવા માટે રાજકારણીઓ ભ્રષ્ટાચાર આચરે છે. જો ચૂંટણીઓને કોઈક રીતે ઓછી ખર્ચાળ બનાવવામાં આવે અને ચૂંટણીખર્ચ અંશતઃ રાજ્યની તિજોરીમાંથી આપવામાં આવે તો ભ્રષ્ટાચાર ઓછો થાય. પરંતુ આ વિચારણા અહીં કરવામાં આવેલા વિશ્લેષણ સાથે અસંગત છે. રાજકારણમાં ભ્રષ્ટાચાર દ્વારા મબલખ કમાણી કરવાની તકો હોવાથી ઉમેદવારો ચૂંટણીમાં કરવા પડતા ખર્ચને મૂડીરોકાણ તરીકે જોતા થયા છે. અલબત્ત, એ જોખમી મૂડીરોકાણ છે, પરંતુ સફળ થવાય તો લાભ ઘણો મોટો છે. તેથી જ્યાં સુધી રાજકારણમાં આજનો બેફામ ભ્રષ્ટાચાર ચાલુ રહે ત્યાં સુધી ચૂંટણીઓ ઓછી ખર્ચાળ અને ભ્રષ્ટ થવાની અપેક્ષા રાખી શકાય નહીં.”
ચૂંટણીના આ વિષચક્રની વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકીને રમેશભાઈ તેનું સમાધાન પણ મૂકે છે : “પોતાની મળેલી સત્તાનો ઉપયોગ લોકહિતાર્થે કરે એવા સારા માણસો ચૂંટાઈ આવે એ દિશામાં જેઓ શ્રદ્ધાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છે તેને શુભેચ્છા પાઠવીએ. પરંતુ હીન માણસોના હાથમાં રાજકીય સત્તા આવે તોપણ તેઓ સમાજનું ન્યૂનત્તમ અહિત કરી શકે એવા બંધારણીય પ્રબંધો વિચારવામાં સલામતી છે. રાજ્યના કાર્યક્ષેત્રને વિસ્તારતાં પહેલાં, ખાસ કરીને જેમાં રાજકારણીઓને વિવેકાધીન સત્તા વાપરવાનો મોટો અવકાશ હોય, એવાં ક્ષેત્રોમાં રાજ્યની પ્રવૃત્તિઓ વિસ્તારતા પહેલા સાત વખત વિચારવું જોઈએ. રાજ્યનું વિસ્તરતું કાર્યક્ષેત્ર છેવટે તો લાભો વહેંચવાની રાજકારણીઓની સત્તામાં જ વધારો કરતું હોય છે. …રાજ્યના કાર્યક્ષેત્રમાં થતા વિસ્તાર અને વ્યાપક બનતા ભ્રષ્ટાચાર વચ્ચે સીધો સંબંધ છે એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. સરકારની સત્તા અને તેમાં નાણાંકીય સાધનોનો ઉપયોગ કરીને ટૂંકા રસ્તે લોકહિત સાધવા ઇચ્છતાં સામાજિક સંગઠનોએ એ યાદ રાખવાનું છે કે તેની ઘણી મોટી કિંમત સમાજને ચૂકવવી પડે છે.”
ચૂંટણીમાં જ્યાં બે જ મુખ્ય હરિફ પક્ષો હોય ત્યાં સ્થિતિ શું થાય તે અંગે પોતાના વિચાર રમેશભાઈ આ રીતે રજૂ કરે છે : “જ્યાં માત્ર બે જ મુખ્ય હરીફ પક્ષો હોય ત્યાં કેટલીક ચૂંટણીઓના અપવાદો બાદ કરતાં બે પક્ષો વચ્ચેની સમાનતા સમય જતાં વધતી જાય છે. કેવળ ઢંઢેરામાં જ નહીં, અન્ય આર્થિક, સામાજિક નીતિઓમાં પણ તેની વચ્ચેની સમાનતા વધતી જાય છે. અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષ વચ્ચે ભૂતકાળમાં મોટું અંતર હતું, પરંતુ છેલ્લા બે-અઢી દસકામાં એ બે પક્ષો વચ્ચેના તફાવતો ગણનાપાત્ર પ્રમાણમાં ઘટી જવા પામ્યા છે. ભારતમાં જો કોંગ્રેસ અને ભાજપ એ બે જ મુખ્ય હરીફ પક્ષો રહે તો થોડા જ વખતમાં તેમની નીતિરીતિઓમાં મોટા પ્રમાણમાં સમાનતા જોવા મળશે. ચૂંટણી જીતવાની દૃષ્ટિએ જો ઉપયોગી નહીં લાગે તો કોંગ્રેસ તેની બિનસાંપ્રદાયકતા છોડી દેશે અને ભાજપ તેના હિન્દુત્વને છોડી દેશે. રાજકીય પક્ષો માટે વિચારસરણી અને આદર્શો સાધનો છે, સાધ્ય નથી. જેવી રીતે ઔદ્યોગિક પેઢીઓ તેમની જે પેદાશો બજારમાં ન ચાલે તે પાછી ખેંચી લે છે તેવી રીતે રાજકીય પક્ષો, જે મુદ્દાઓ ચૂંટણીના બજારમાં ન ચાલે તેને પાછા ખેંચી લે છે.” ‘ભાજપ હિન્દુત્વને છોડી દેશે’ તે રમેશભાઈને વાત અત્યારે લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા પછી થોડે અંશે સાચી લાગે છે; કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં કહ્યું છે : ‘મેરા જો ઘર હૈ ના, મેરે અગલબગલ મેં સારે મુસ્લિમ પરિવાર રહતે હૈ, હમારે ઘર મેં ઇદ ભી મનતી થી, મેરે ઘર ઇદ કે દિન ખાના નહીં પકતા થા. સારે મુસ્લિમ પરિવાર સે મેરે યહાં ખાના આ જાતા થા.’
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796