પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-39): Akshardham Temple Attack Series : અક્ષરધામ અટેક કેસમાં (Akshardham Attack Case) અમદાવાદ ક્રાઇમબ્રાંચે(Ahmedabad Crime Branch) આરોપીઓની ધરપકડ કરીને તેઓના રિમાન્ડ મેળવ્યા હતા. કેસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો. અનેક સ્થળે ક્રાઇમબ્રાંચ દરોડા પાડી રહી હતી. જે આરોપીઓ પકડાયા તેમના પરિવારજનોનો આરોપ હતો કે, પોલીસે ખોટા કેસમાં તેમના પરિવારના સભ્યોને પકડ્યા છે. આ ઘટના સાથે તેમને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. પરંતુ માહોલ એવા પ્રકારનો હતો કે, આ પરિવારની વાત સાંભળવા સુધ્ધાંનો કોઈને સમય નહોતો.
હજી આ ઘટનાના જે પડળો ખુલ્યા નહોતા, તેમાં મુખ્ય બાબતો એ હતી કે, હથિયાર કોણે આપ્યા? અને અમદાવાદ સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યા? તેની કોઈ કડી મળી રહી નહોતી. ત્યારે જમ્મુકાશ્મીર પોલીસ (JammuKashmir Police) તરફથી અમદાવાદ ક્રાઇમબ્રાંચને એક એલર્ટ મેસેજ મળ્યો કે, “અમે ગાંધીનગર અક્ષરધામ કેસમાં એક આરોપી પકડ્યો છે.”
આ મેસેજની જાણકારી મળતાં જ ડી.સી.પી. ડી. જી. વણઝારા (DCP D G Vanzara) અને એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) ચોંકી ગયા હતા. તેમને અંદાજ નહોતો કે, અક્ષરધામ અટેકના તાર હવે કાશ્મીર સાથે પણ જોડાશે! ડી. જી. વણઝારાએ તરત કાશ્મીર પોલીસના સિનિયર અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમની પાસેથી જાણકારી મળી કે, શ્રીનગર પોલીસે એક ચાંદખાન નામના આરોપીને પકડ્યો છે. જેની સામે કાશ્મીર પોલીસમાં ગુનો નોંધાયેલો હતો. તેની પૂછપરછમાં તેણે ગાંધીનગર અક્ષરધામ અટેક વિષે ઉલ્લેખ કર્યો છે.
ડી.સી.પી. ડી. જી. વણઝારાએ એ.સી.પી. ગિરીશ સિંઘલને આદેશ આપ્યો, “તમે એક ટીમ સાથે તરત શ્રીનગર રવાના થાવ.”
આદેશ મળતાં ગિરીશ સિંઘલ શ્રીનગર જવા નીકળ્યા, પણ તેમને સતત વિચાર આવી રહ્યા હતા કે, હમણા સુધી પકડાયેલા એક પણ આરોપીએ કાશ્મીર કે કાશ્મીર ચાંદખાન નામના માણસનો ઉલ્લેખ કર્યો નથી. તો પછી આ ચાંદખાન કોણ હશે? આ કેસમાં એની ભૂમિકા શું હશે?
અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ શ્રીનગર પહોંચી ગઈ હતી. ત્યાંના સિનિયર અધિકારીઓએ ગિરીશ સિંઘલને ખાસ મંજૂરી આપી કે, તે ચાંદખાનની પૂછપરછ કરી શકે છે. એ.સી.પી. ગિરીશ સિંઘલને એક ખાસ સેલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં ચાંદખાનને રાખવામાં આવ્યો હતો. તેને એક વિશાળ હોલમાં એક ખુરશી પર બેસાડી રાખવામાં આવ્યો હતો. આખા હોલમાં ચાંદખાન સિવાય કોઈ જ નહોતું. હોલનો લોંખડનો દરવાજો ખોલી સિંઘલને અંદર લઈ જવામાં આવ્યા.
ચાંદખાન બેઠો હતો, તેની સામે એક બીજી ખુરશી મૂકવામાં આવી. સાથે રહેલા કાશ્મીર પોલીસના જવાને ખાલી ખુરશી તરફ ઇશારો કરતાં કહ્યું, “જનાબ.”
ગિરીશ સિંઘલ ખુરશી પર બેઠા. ચાંદખાનના દિદાર જોઈને અંદાજ આવી રહ્યો હતો કે, કાશ્મીર પોલીસે ચાંદખાનની સારી રીતે સર્વિસ કરેલી હતી. તેના હાથમાં તો હાથકડી હતી જ, તેના પગમાં પણ લોંખડની સાંકળો બાંધવામાં આવી હતી. ગિરીશ સિંઘલની સાથે રહેલા કાશ્મીર પોલીસના જવાને આદેશના સૂરમાં સ્થાનિક ભાષામાં ચાંદખાનને કહ્યું, “આ ગુજરાત પોલીસના (Gujarat Police) અધિકારી છે. તારી પૂછપરછ કરવા આવ્યા છે. બધુ જ સાચું કહેજે.”
પછી પેલા જવાને સિંઘલને કહ્યું, “જનાબ, આપ ઇન્ટ્રોગેશન કર સકતે હો.”
સિંઘલ ચાંદખાન સામે જોઈ રહ્યા. તેની નજર જમીન તરફ હતી. સિંઘલે ખિસ્સામાં રહેલા નાની ડાયરી અને પેન કાઢ્યાં. ચાંદખાનને પુછ્યું, “તુમ અહમદાબાદ આયે થે?”
ચાંદખાને ઉપર નજર કર્યા વગર જ માથું હલાવીને હા પાડી. “અહમદાબાદ આને કા મકસદ કયા થા?” સિંઘલે પુછ્યું.
થોડીવાર ચાંદખાન કંઈ જ બોલ્યો નહીં. પછી માથું ઉપર કર્યું અને પહેલા તેણે કાશ્મીર પોલીસ સામે જોયું. પછી સિંઘલ સામે જોતાં કહ્યું, “અસલા લે કર આયા થા.”
સિંઘલ તેની સામે જોઈ રહ્યા. સાથે રહેલા કાશ્મીરના પોલીસવાળાને લાગ્યું કે, સિંઘલ ચાંદખાનની વાત સમજ્યા નથી. તેણે થોડા નીચા નમી સિંઘલના કાન પાસે મોઢું લાવીને કહ્યું, “જનાબ, વો વેપન લે કર અહમદાબાદ આયા થા.”
સિંઘલે હકારમાં માથું હલાવી હિન્દીમાં કહ્યું, “મને સમજાય છે.”
સિંઘલ ખુરશીમાંથી ઊભા થયા. પોતાની ખુરશી ચાંદ તરફ થોડીક આગળ વધારીને ફરી બેઠા અને પુછ્યું, “કોન સી તારીખ કો તુમ અહમદાબાદ આયે થે?”
પોતાને જ્યાં રાખવામાં આવ્યો હતો એ ખાસ સેલની છત સામે જોઈને ચાંદ કંઈક યાદ કરવા લાગ્યો. પછી કહ્યું, “21 કો હમ યહાં સે ચલે થે. 24 કો વહા પહોંચે થે.”
સિંઘલે ખાતરી કરવા માટે પુછ્યું, “24 સપ્ટેમ્બર કો?”
ચાંદે માથું હલાવી હા પાડી. તેનો અર્થ થતો હતો કે, જે દિવસે અક્ષરધામ ઉપર હુમલો થયો; તે જ દિવસે ચાંદખાન અમદાવાદ પહોંચ્યો હતો અને અમદાવાદ સુધી હથિયાર લઈ આવવાનું કામ તેનું હતું. સિંઘલે પુછ્યું, “તુમ અક્ષરધામ ગયે થે?”
તેણે માથું હલાવી ના પાડી એટલે સિંઘલે પુછ્યું, “તો કહાં ગયે થે?”
ચાંદે જવાબ આપ્યો, “મેં તો અહમદાબાદ આને કે બાદ ગુલશન હોટલ મેં રુકા થા. વહીં પે દો બંદે આયે થે. વો અસલા લે કર ચલે ગયે થે.”
સિંઘલને ઉતાવળ થઈ એટલે તેમણે તરત પુછ્યું, “ફિર?”
ચાંદે કહ્યું, “સરજી, મેં અસલા દે કર વહાં સે નિકલા ઔર કાશ્મીર વાપસ લોટ આયા થા.”
સિંઘલે તરત પોતાની ડાયરીમાં ગુલશન હોટલનું નામ નોંધ્યું અને પુછ્યું, “યે ગુલશન હોટલ કહાં હૈ?”
ચાંદે હાથકડી બાંધેલા હાથ ઉપર કર્યા અને જાણે નકશો સમજાવતો હોય એ રીતે કહ્યું, “સર, ટ્રેન સે ઉતરને કે બાદ ઉસ તરફ જાતે હે તો તુરંત હોટલ પહોંચ જાતે હે.”
ચાંદખાન હિન્દી ભાષા જાણતો હતો, પણ એની હિન્દીમાં વચ્ચે વચ્ચે ઉર્દૂની છાંટ આવતી હતી. સિંઘલ થોડીક ક્ષણ માટે વિચાર કરવા લાગ્યા. કારણ કે, આ દિવસો દરમિયાન અમદાવાદ ક્રાઇમબ્રાંચે અનેક હોટલ ચેક કરી હતી, પણ તેમના ધ્યાનમાં ગુલશન હોટલ કેમ આવી નહીં! તેનું તેમને આશ્ચર્ય હતું.
એ દિવસે ચાંદખાનની વિગતવાર પૂછપરછ થઈ. જોકે હજી તેની સાથે લાંબો સમય બેસવું પડે તેમ હતું. ચાંદખાન હજી કાશ્મીર પોલીસની કસ્ટીમાં હતો. કાશ્મીર પોલીસ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે, ત્યાર પછી ટ્રાન્સફર વોરંટના આધારે એની કસ્ટડી મેળવી તેને ગુજરાત લાવી શકાય તેમ હતો. ગિરીશ સિંઘલે ખાસ સેલમાંથી બહાર નીકળી તરત ડી.સી.પી. વણઝારાને ફોન જોડ્યો. ચાંદખાનની પૂછપરછમાં જે કંઈ બહાર આવ્યું હતું, એની જાણકારી આપી. વણઝારા પણ માહિતી સાંભળી ચોંકી ઉઠ્યા.
હજી પંદર દિવસ પહેલાં ક્રાઇમબ્રાંચમાં એક આરોપી હથિયાર પોતે લાવ્યો હોવાની કબુલાત કરી રહ્યો હતો. જો ત્યારે ક્રાઇમબ્રાંચે આ મામલો તેની પર ઢોળી દીધો હોત; તો મોટી ભૂલ થઈ જતી! હવે ચાંદખાન પાસેથી જે માહિતી મળી, તે ઘણી સ્ફોટક હતી. ક્રાઇમબ્રાંચને હવે શ્રીનગરમાં થોડો સમય રોકાવવું જરૂરી હતું.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796