Monday, January 20, 2025
HomeSeriesAkshardham Attackક્રાઇમબ્રાંચે ગુનો ડિટેક્ટ કરી નાખ્યો હતો, પણ હજી હથિયાર અમદાવાદ સુધી કોણ...

ક્રાઇમબ્રાંચે ગુનો ડિટેક્ટ કરી નાખ્યો હતો, પણ હજી હથિયાર અમદાવાદ સુધી કોણ લાવ્યું એ ખબર નહોતી

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-38): Akshardham Temple Attack Series : ગુજરાતમાં થયેલા પ્રથમ આતંકી હુમલાનો કેસ અમદાવાદ ક્રાઇમબ્રાંચે (Ahmedabad Crime Branch) ઉકેલી તો નાખ્યો હતો, પણ એમાં હજી અનેક કડીઓ ખૂટતી હતી. એ.સી.પી. ગિરીશ સિંઘલનું (ACP Girish Singhal) મન સતત ખૂટતી કડીઓ શોધવા માટે દોડી રહ્યું હતું. પોતાની પાસે જે આરોપી હતા, તેમની સાથે તમામ પ્રકારનો વ્યવહાર ક્રાઇમબ્રાંચ કરી ચૂકી હતી. હવે એવો કોઈ અવકાશ નહોતો કે, પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ કંઈક છુપાવી રહ્યા હોય. એનો અર્થ સ્પષ્ટ હતો કે, હજી કેટલાક પ્લેયર બહાર છે. જેની પોલીસને ખબર નહોતી. અક્ષરધામ ઉપર હુમલો (Akshardham Attack) કરનારા અમદાવાદ સુધી કોની સાથે આવ્યા હતા? અને તેમણે હુમલામાં જે હથિયારનો ઉપયોગ કર્યો, તે હથિયાર અમદાવાદ સુધી કોણ લઈ આવ્યું હતું? તે શોધવાનું બાકી હતુ.

ડી. જી. વણઝારાએ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી તેમની પર ચારે તરફથી અભિનંદનના ફોન આવી રહ્યા હતા. સરકાર પણ તેમના પર આફરીન હતી. ગુનો ડિટેક્ટ થઈ ગયો છે; તેવી જાહેરાતના બીજા દિવસે એ.સી.પી. ગિરીશ સિંઘલ ઓફિસમાં આવીને બેઠા હતા. તેમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. એવામાં એક સબઇન્સપેક્ટર તેમની ચેમ્બરમાં દાખલ થયો. તેણે સલામ કરતાં કહ્યું, “સર, એક સારા ન્યૂઝ છે.”

- Advertisement -

સિંઘલ તેની સામે જોઈ રહ્યા. સબઇન્સપેક્ટરે કહ્યું, “રાત્રે ડી.સી.પી. સાહેબને એક ટીપ મળી હતી. સાહેબની સૂચનાથી અમે એ માણસને લઈ આવ્યા છીએ. રાત્રે થોડી સર્વિસ પણ કરી. તેણે કબૂલ કરી લીધું છે કે, અક્ષરધામ પર અટેક કરનારને તેણે જ હથિયાર આપ્યા હતા.”

સિંઘલની આંખો ચાર થઈ ગઈ! ડી.સી.પી. સાહેબની ટીપ હશે તો સાચી જ હશે. તેવું સિંઘલે મનમાં વિચાર્યું. હથિયાર ક્યાંથી આવ્યા? એ કડી મળી ગઈ હોય; તો મોટું કામ થઈ ગયું માનવું. સિંઘલે સામે ઊભા રહેલા પી.એસ.આઈ.ને કહ્યું, “લઈ આવો એને.”

પી.એસ.આઈ. સલામ કરીને ચેમ્બરની બહાર નીકળ્યો. એ.સી.પી. સિંઘલે રોજની ટેવ પ્રમાણે બારી પાસે જઈ સિગારેટ સળગાવી અને પીવા લાગ્યા. સિગારેટના ધુમાડાની સાથે તેમના વિચારો પણ આકાશ તરફ જઈ રહ્યા હતા. એવામાં દરવાજો નોક થયો. સિંઘલે બારીની પાળી ઉપર સિગારેટ ઓલવી અને બહાર ફેંકતાં કહ્યું, “કમ ઇન.”

- Advertisement -

સબઇન્સપેક્ટર એક માણસને પકડીને ચેમ્બરમાં દાખલ થયો. સિંઘલ પેલા માણસ સામે જોઈ રહ્યા. એકદમ સુકલકડી શરીર હતું. સિંઘલ મનમાં હસ્યા અને મનોમન જ બોલ્યા, ‘કમજોર જિસ્મ ફીર ભી ગુસ્સા ઈતના!’

સિંઘલે ઇશારો કર્યો એટલે પી.એસ.આઈ.એ પેલા માણસને જમીન પર બેસવાની સૂચના આપી. સિંઘલે ઇશારો કરી પી.એસ.આઈ.ને પણ બેસવા કહ્યું. એ સિંઘલની સામેની ખુરશીમાં બેઠો. જમીન પર બેઠેલા માણસ સામે જોઈ સિંઘલે કહ્યું, “બોલ.”

એ તરત પોપટની જેમ બોલવા લાગ્યો. તેણે કહ્યું, “સાહેબ, મને મુફતી સાહેબે કામ સોંપ્યું હતું. સાહેબે મને કહ્યું હતું કે, કોમનું કામ કરવાનું છે. હું એના માટે તૈયાર થઈ ગયો. તેમણે મને રાજસ્થાન જવાનું કહ્યું હતું એટલે હું ત્યાં ગયો હતો.”

- Advertisement -

સિંઘલે પેલા માણસને વચ્ચે જ અટકવાતાં પુછ્યું, “રાજસ્થાનમાં ક્યાં ગયો હતો?”

પેલાએ કહ્યું, “જોધપુર.”

એક ક્ષણ રોકાઈને તેણે વાત આગળ વધારતાં કહ્યું, “જોધપુર ગયા પછી મેં એસ.ટી. સ્ટેન્ડથી એક ફોન કર્યો હતો. એ નંબર પણ મને મુફતી સાહેબે જ આપ્યો હતો. મેં ફોન કર્યો પછી થોડીવારમાં એક માણસ ત્યાં રિક્ષા લઈને આવ્યો. તેણે મને સામાન આપ્યો.”

સિંઘલે તરત પુછ્યું, “સામાન?”

પેલાએ કહ્યું, “સાહેબ, હથિયાર હતાં, પણ મેં ખોલીને જોયા નહોતાં. હું તરત સામાન લઈ, બસ પકડી અમદાવાદ આવ્યો અને દરિયાપુર પહોંચી મુફતી સાહેબને સામાન સોંપીને જતો રહ્યો હતો.”

સામાન્ય રીતે સિંઘલ જ્યારે કોઈ આરોપીની પૂછપરછ કરે, ત્યારે એ ડાયરીમાં નોંધ કરતા હતા. પણ આજે તે કંઈ જ નોંધી રહ્યા નહોતા. પેલા માણસનું બોલવાનું બંધ થયું એટલે થોડોક વિચાર કરી સિંઘલ ખુરશીમાંથી ઊભા થયા. પી.એસ.આઈ. અને જમીન પર બેઠેલો માણસ સાહેબ સામે જોઈ રહ્યા હતા. તેમને ખબર નહોતી કે, સિંઘલ હવે શું કરવાના છે.

ગિરીશ સિંઘલ ઊભા થયા અને ચેમ્બરના એક ખૂણામાં મૂકેલી લાઠી હાથમાં લીધી. પેલા માણસ પાસે આવ્યા અને પુછ્યું, “તું સાચું બોલે છે?”

પેલાએ માથું હલાવી હા પાડી. સિંઘલે પી.એસ.આઈ.ને ઉંચા અવાજમાં કહ્યું, “ઊભો કરો આને.”

પી.એસ.આઈ.એ પેલા માણસને ઊભો કરી પકડી રાખ્યો. સિંઘલે એક પછી એક લાઠી પેલા માણસને ફટકારવાની શરૂઆત કરી. પેલો માણસ બૂમો પાડતો રહ્યો, “સાહે…બ બસ, બસ કરો…”

સિંઘલે લાઠી મારવાનું બંધ કર્યું અને ગુસ્સામાં પુછ્યું “હથિયાર તું લાવ્યો હતો?”

પેલાએ ફરી હા પાડી. ફરી સિંઘલના હાથમાં રહેલી લાઠી વીંજાઈ. પેલા માણસે હાથ આડો કરતાં કહ્યું, “ના સાહેબ, હું નહોતો લાવ્યો.”

સિંઘલે તરત લાઠી નીચે કરી અને પોતાની ખુરશીમાં બેસી કપાળ ઉપર આવેલો પરસેવો લૂંછ્યો. તેમના ચહેરા પર સાચું પકડી પાડ્યું હોવાનું સ્મિત હતું. સિંઘલે પી.એસ.આઈ.ને બેસી જવાનો ઇશારો કર્યો. પેલો માણસ હજી ઊભો જ હતો. એ ધ્રૂજી રહ્યો હતો. સિંઘલ પેલા માણસની વાત સાંભળી રહ્યા હતા; ત્યારે જ તેમને અંદાજ આવી ગયો હતો કે, આ માણસ નિર્દોષ છે, પણ કોઈના કહેવાથી ખોટો ગુનો કબૂલ કરી રહ્યો છે.

ત્યારબાદ ગિરીશ સિંઘલ ડી.સી.પી. ડી. જી. વણઝારાની (DCP D G Vanzara) ચેમ્બરમાં ગયા અને સલામ કરી ઊભા રહ્યા. કાયમ પ્રમાણે વણઝારાએ હસતાં હસતાં કહ્યું, “આવો ગિરીશ, કેમ છો?”

સિંઘલે સલામ કરી અને વણઝારાની સામેની ખુરશીમાં બેઠા. વણઝારાએ કહ્યું, “અરે ગિરીશ, વનારના સ્ક્વોડવાળા કોઈને લઈ આવ્યા છે. તે કહે છે કે, એ પોતે રાજસ્થાનથી વેપન લઈ અમદાવાદ આવ્યો હતો.”

સિંઘલે ધીમા અવાજે કહ્યું, “સર, હું એના માટે જ આવ્યો છું. જે માણસને લાવ્યા છે, એ પ્લાન્ટ કરેલો છે. કોણે પ્લાન્ટ કર્યો? એ મને ખબર નથી; પણ તેને અને અક્ષરધામ અટેકને કંઈ લેવા દેવા નથી. એવું મને લાગી રહ્યુ છે.”

ડી.સી.પી. વણઝારાએ કહ્યું, “અરે ગિરીશ, તમે બહુ ઝીણું કાંતો છો. જો આરોપી ગુનો કબૂલ કરે, તો આપણને ક્યાં વાંધો છે?”

સિંઘલ શાંત થઈ ગયા અને કહ્યું, “સર, આપણને વાંધો તો હોવો જ જોઈએ. આપણને હજી વેપનની લાઈન મળતી નથી; તો કંઈ વાંધો નહીં. આજે નહીં તો કાલે મળશે. તેની મને ખબર છે, પણ કેસ પૂરો કરવા માટે ઉતાવળ ન કરવી જોઈએ.”

આ મુદ્દે ગિરીશ સિંઘલ અને ડી. જી. વણઝારા વચ્ચે લાંબી ચર્ચા થઈ. અંતે સિંઘલ વણઝારાને સમજાવવામાં સફળ રહ્યા કે, કોઈ ખોટા માણસને અંદર લેવો જોઈએ નહીં. ક્યારેક ડાહપણનું પગલું ભરાય તો ભવિષ્યમાં તેનો મોટો ફાયદો થવાનો હતો!

(ક્રમશ:)

Part 37 : એ પાકિસ્તાનથી આવ્યા હતા. એમના નામ હાફિઝ અને અશરફ હતા. અક્ષરધામ જતાં પહેલાં નમાઝ અદા કરી હતી

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular