પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-33): Akshardham Temple Attack Series : મૌલાના અબ્દુલા એ.સી.પી. ગિરીશ સિંઘલની (ACP Girish Singhal) ચેમ્બરમાં એક પછી એક ઘટનાઓ કહેતા ગયા. ઘટનાક્રમ એવો હતો, જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય! આખી ઘટના પાછળ કેટલા લોકો જોડાયેલા હતા; તેનો હવે અંદાજ આવી રહ્યો હતો. ગિરીશ સિંઘલ જે સવાલો પુછતાં હતા, તે બધાનો મૌલાના અબ્દુલા જવાબ આપી રહ્યા હતા. એક પોલીસ અધિકારી તરીકે ગિરીશ સિંઘલને સમજાઈ રહ્યું હતું કે, મૌલાના ખરેખર સાચું બોલી રહ્યા છે. મૌલાનાને પણ બહુ જલદી સમજાઈ ગયું હતું કે, હવે ચોર–પોલીસની રમત લાંબી ચાલશે નહીં.
જે માહિતી સામે આવી હતી; તેના તાર એકબીજા સાથે જોડાઈ ચૂક્યા હતા, પણ હજી એક વ્યક્તિને મળવાનું બાકી હતું. એ હતા મુફતી કયુમ. મુફતી કયુમ શિક્ષિત હોવાની સાથે સ્માર્ટ પણ હતા; એટલે ડી.સી.પી. વણઝારાના પ્રશ્નને પણ તે સિફતપૂર્વક ટાળી ગયા હતા. બીજો કોઈ આરોપી હોત તો ડી.સી.પી. વણઝારાની (DCP Vanzara) ચેમ્બરમાં સર્વિસ થઈ જતી; પણ આ મુફતી હતા અને એમની વિરુદ્ધ એવા કોઈ નક્કર પુરાવા પણ નહોતા.
મૌલાનાએ પોતાની અને મુફતી કયુમની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી. સિંઘલ માની રહ્યા હતા કે, હવે મુફતી કયુમ પાસે સંતાડવા જેવું કંઈ રહ્યું નથી. સિંઘલે થોડો વિચાર કર્યો, બેલ મારી પોલીસવાળાને બોલાવ્યો અને કહ્યું, “મુફતી કયુમને લઈ આવો.”
મુફતી કયુમનું નામ સાંભળતાં જ મૌલાના અબ્દુલાનો ચહેરો બદલાઈ ગયો. તેણે તરત સિંઘલને પુછ્યું, “મુફતી સાહેબ પણ અહીંયાં જ છે?”
કારણ કે, હજી સુધી મૌલાનાને ખબર જ નહોતી કે, મુફતી પણ ક્રાઇમબ્રાંચ (Crime Branch) પાસે છે. સિંઘલે માથું હલાવી હા પાડી. મૌલાના કંઈક વિચારમાં પડી ગયા. તેમણે વીનંતીના સૂરમાં કહ્યું, “સાહેબ, મને અહીંયાંથી જવા દો.”
સિંઘલે કહ્યું, “મૌલાના, ડરો નહીં. મુફતી તમારું કંઈ બગાડી શકશે નહીં.”
ખરેખર મૌલાનાને અંદરથી ડર લાગી રહ્યો હતો. મૌલાના માની રહ્યા હતા કે, જો સિંઘલ સામ-સામે બેસાડીને સવાલ પૂછશે; તો મુફતી નારાજ થઈ જશે. કદાચ મુફતી પોતાને ‘કોમનો ગદ્દાર’ પણ માનશે. મૌલાનાને એ.સી. ચેમ્બરમાં પણ પરસેવો થવા લાગ્યો. ત્યાં દરવાજો નોક થયો અને પોલીસવાળો મુફતી કયુમને લઈ અંદર આવ્યો.
આ તરફ મુફતીની હાલત પણ, કાપો તો લોહી ન નીકળે તેવી હતી! કારણ કે, તેની સીધી નજર મૌલાના અબ્દુલા પર પડી હતી. એક સાથે હજારો વિચાર મુફતીના મનમાં દોડી આવ્યા. મૌલાના સામે ચાલીને મળવા આવ્યા હશે? કે પોલીસે બોલાવ્યા હશે? આ મૌલાનાનો તો ખેલ નથી ને? વગેરે અનેક પ્રશ્નો એક સાથે મુફતીને થઈ રહ્યા હતા. મૌલાના અને મુફતી વચ્ચે આ પહેલી એવી મુલાકાત હતી; જેમાં તેમણે એકબીજાને સલામદુઆ કરી નહીં.
મૌલાનાની નજર હવે જમીન તરફ હતી. મુફતીને જોતાં મૌલાનાની બાજુમાં ખાલી રહેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કરતાં સિંઘલે કહ્યું, “આવો મુફતી, કેમ છો?”
મુફતીએ મૌલાનાની બાજુમાં બેસતા પહેલાં તેમની તરફ એક નજર કરી. તેની સાથે જ સિંઘલે ત્યાં ઊભા રહેલા પોલીસવાળાને કહ્યું, “મૌલાનાને લઈ જાવ.”
આ વાકય સાંભળતાં મૌલાનાના પગમાં જાણે 440 વોલ્ટનો કરંટ આવ્યો હોય એમ તે એકદમ ઊભા થઈ ગયા. કારણ કે, તેમનું મન તો ક્યારનું કહી રહ્યું હતું કે, અહીંયાંથી ભાગી જા. પોલીસવાળો મૌલાનાને લઈ ચેમ્બરની બહાર નીકળ્યો. સિંઘલ એકદમ રિલેક્સ લાગતા હતા. મુફતી કયુમને હજી અંદાજ આવ્યો નહોતો કે, ખરેખર અહીંયાં શું બની ગયું છે! સિંઘલે સિગારેટનું પેકેટ કાઢ્યું, સિગારેટ બહાર કાઢી અને પછી મુફતી સામે જોતાં કહ્યું, “તમે તો નથી પીતા ને?”
મુફતીએ ના પાડી. સિંઘલે બહાર કાઢેલી સિગારેટ પાછી પેકેટમાં મુકતાં પુછ્યું, “હમણાં જે મૌલાના ગયા, એમને તો તમે ઓળખો છો ને?”
મુફતી કયુમે માથું હલાવી હા પાડી. સિંઘલના ચહેરા પર આછું સ્મિત આવ્યું. તેમણે કહ્યું, “સારું થયું, તમે મૌલાનાને તો ઓળખો છો. કારણ કે, મને વણઝારા સાહેબ તો કહેતા હતા કે મુફતી સાહેબ તો કોઈને ઓળખતા જ નથી.”
મુફતી સાંભળી રહ્યા હતા. તેમને હજી પણ અંદાજ આવી રહ્યો નહોતો કે, નિશાન કઈ તરફ લેવામાં આવ્યું છે! મુફતીએ કોઈ જવાબ આપ્યો નહીં. ગિરીશ સિંઘલે ટેબલ પર બંને કોણીઓ ટેકવી અને સહેજ આગળ આવીને પુછ્યું, “મુફતી, ક્યાં સુધી પોતાને ચૂપ રાખવામાં તમે સફળ રહેશો? મને ખબર નથી કે, હવે કેટલી જાણકારી મારે તમને આપવી છે? પહેલી વાત કે, અમારી પાસે આદમ અજમેરી છે. જે પેલા છોકરાઓને લઈ તમારી પાસે આવ્યો હતો. પણ તમે તો કહેશો કે, તમે આદમને ઓળખતા નથી. કંઈ વાંધો નહીં, આદમ પેલા છોકરાને લઈ મૌલાના અબ્દુલા પાસે ગયો હતો અને મૌલાના તમારી પાસે એ છોકરાઓને લઈને આવ્યા હતા. એ તો તમને યાદ જ હશે! કદાચ તમારી યાદશક્તિ નબળી હોય, તો મારે તમને એક વસ્તુ બતાવવી છે.”
એમ કહી સિંઘલે ટેબલનું ડ્રોવર ખોલી એક ઘડી કરેલો કાગળ કાઢ્યો. તે ખોલીને મુફતી સામે મુકતાં કહ્યું, “આ ચીઠ્ઠી તો તમે જ લખી હતી. બરાબરને?”
મુફતી ચીઠ્ઠી સામે જોઈ રહ્યા. એ ઝેરોક્ષ હતી. સિંઘલે કહ્યું, “ચિંતા ન કરો. ઓરિજિનલ અમારી પાસે છે. આ તો તમને બતાવવા ઝેરોક્ષ રાખી છે.”
ગિરીશ સિંઘલ એક પછી એક પુરાવા મુફતી કયુમ સામે મૂકી રહ્યા હતા. સિંઘલે કહ્યું, “તમારી પાસે આ છોકરાઓ 22મી તારીખે આવ્યા હતા. ત્યાંથી તમે આદમને રવાના કરી દીધો. 23મી તારીખે આ છોકરાઓએ કહ્યું કે, આજે તેઓ બહાર જશે. 23મી આખો દિવસ તે ક્યાં ગયા; એની તમને ખબર નથી. 24મીએ સવારે તેઓ તમારી પાસે દરિયાપુરમાં પાછા આવ્યા હતા. ત્યારે તેમણે પોતાની દાઢી અને મૂછ હટાવી દીધાં હતાં.”
સિંઘલે ચીઠ્ઠી ઉપર હાથ મૂકીને કહ્યું, “આ ચીઠ્ઠી તમે લખી આપી હતી. તમારી ઉર્દૂ ભાષા પર પણ સારી પક્કડ છે. તમારે પણ નિદોર્ષ હિન્દુઓને મારીને 2002નાં હુલ્લડનો બદલો લેવો હતો; એટલે જ્યારે આ છોકરાઓ પોતાનાં કામને અંજામ આપવા જઈ રહ્યા હતા; ત્યારે તેમને શહાદતની છેલ્લી નમાઝ પણ તમે પઢાવી હતી. શહાદતની નમાઝ વખતે તેમના નામ જાણવા તમારે જરૂરી હતા. તેમના નામ તેમણે હાફીઝ આસર, અને અશરફ અલી કહ્યા હતા. તે બંને પાકિસ્તાનથી આવેલા હતા. તેઓ સરહદ પાર કરી ભારતમાં કેવી રીતે ઘુસ્યા? અને અમદાવાદ સુધી તેમને કોણ લઈ આવ્યું? તેની હવે કોઈને ખબર પડવાની નથી. કારણ કે, તેઓ હવે અલ્લાહના દરબારમાં નિદોર્ષને મારવાની કિંમત ચૂકવી રહ્યા હશે.”
સિંઘલ એક ક્ષણ રોકાયા અને પુછ્યું, “બોલો મુફતી, હવે આના કરતાં વધારે તમારે કંઈ કહેવું હોય તો કહો.”
મુફતી એકદમ શાંત હતા.
(ક્રમશ:)
Part 32 : મૌલાના અબ્દુલાની આંખો ભરાઈ આવી. હવે એ લાંબો સમય ખોટું બોલી શકે તેમ નહોતા
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796