પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-26): Akshardham Temple Attack Series : આદમને બધું જ બરાબર યાદ હતું. તે એક પછી એક ઘટના યાદ કરીને કહી રહ્યો હતો. તે ખોટું પણ નહોતો બોલી રહ્યો. તેણે જે કર્યું એ કામનો પસ્તાવો પણ તેના ચહેરા પર નહોતો. આદમે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “મારા ભાઈએ મને પહેલાં થોડા પૈસા પણ મોકલ્યા હતા, પણ કોઈ કામ બતાવ્યું નહોતું. એ પછી મારા ભાઈએ મને ફોન કરી કહ્યું કે, તારે હૈદરાબાદ જવાનું છે. તું ત્યાં પહોંચી જા. રસીદે કહ્યું એટલે હું હૈદરાબાદ ગયો.
હૈદરાબાદ ગયા પછી રસીદે મને એક ફોન નંબર આપ્યો અને એ નંબર પર વાત કરવા કહ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે, જે કોઈ તને મળવા આવે, તે કહે એ પ્રમાણે કરજે. રસીદે જે નંબર આપ્યો હતો તેની પર મેં ફોન કર્યો. થોડીવારમાં એક માણસ મને મળવા આવ્યો. તેણે મારી સાથે સલામદુઆ કરી.”
સિંઘલે (Girish Singhal) તેને અટકાવતાં પુછ્યું, “હૈદરાબાદમાં તને મળ્યો એ કોણ હતો? અને તું ક્યારે મળવા ગયો હતો?”
આદમે યાદ કરતાં કહ્યું, “અક્ષરધામ અટેકના (Akshardham Attack) એક મહિના પહેલાં, એટલે કે ઓગસ્ટ મહિનાની વાત છે. તે કોણ હતો; તેની મને આજે પણ ખબર નથી. તે માણસે મને પાંચ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે, અમદાવાદમાં બે મકાન ભાડે રાખજે. ‘મહેમાન’ આવવાના છે. હું ત્યાંથી અમદાવાદ પાછો ફર્યો અને મેં શહેરના દાણીલીમડા અને દુધેશ્વરમાં મકાન ભાડે રાખ્યાં.
ઓગસ્ટ મહિનામાં કોઈ આવ્યું નહીં. કોઈનો ફોન પણ આવ્યો નહીં. સપ્ટેમ્બર મહિનામાં મને હૈદરાબાદથી ફોન આવ્યો કે, બે ‘મહેમાન’ અમદાવાદ રેલવેસ્ટેશન આવ્યા છે; તેમને મળી લેજે.”
સિંઘલે આદમને ફરી અટકાવીને પુછ્યું, “તારીખ કઈ હતી?”
આદમ વિચાર કરવા લાગ્યો; પછી આંગળીના વેઢા ગણીને કહ્યું, “સાહેબ 21-22 સપ્ટેમ્બર હશે. હું તેમને લેવા અમદાવાદ રેલવેસ્ટેશન ગયો હતો.”
“નામ ખબર છે? કેટલી ઉંમર હશે?” સિંઘલે એક સાથે બે સવાલ પૂછી નાખ્યા.
આદમ જે બોલતો હતો, તે સિંઘલ પોતાની ડાયરીમાં ટપકાવી રહ્યા હતા. આદમે કહ્યું, “નામની તો ખબર નથી, પણ તેમની ઉમંર 20-22 વર્ષની હશે. તેમણે મને પુછ્યું, અહીંયાં કયાં મોટાં મંદિરો છે? અને ક્યાં ભીડ હોય છે? એ વિસ્તાર અમારે જોવા છે. એટલે હું તેમને રિક્ષામાં લઈ અમદાવાદમાં ફર્યો.”
“ક્યાં ફર્યો?” સિંઘલે તેને રોકતાં પુછ્યું.
આદમે કહ્યું, “સાહેબ, હું તેમને લાલદરવાજા, ભદ્રકાળી અને કાંકરિયા લઈ ગયો હતો.”
બસ, આટલું બોલી તે ચૂપ થઈ ગયો. સિંઘલે પુછ્યું, “પછી ક્યાં લઈ ગયો હતો?”
તેણે કહ્યું, “પછી હું તેમને અક્ષરધામ પણ લઈ ગયો હતો, પણ અમે અક્ષરધામ ગયા એ દિવસે અક્ષરધામમાં રજા હતી. જેથી અમે અંદર જઈ શક્યા નહીં.
સિંઘલે પુછ્યું, “અક્ષરધામ જવાનો નિર્ણય કોનો હતો? તેમણે કહ્યું એટલે તેમને ત્યાં લઈ ગયો હતો?”
આદમે કહ્યું, “ના સાહેબ, હું તેમને જ્યાં લઈ ગયો હતો, ત્યાં મંદિર હતું અને ભીડ પણ હતી.”
સિંઘલ તેની આંખોમાં જોઈ રહ્યા. આદમે વાત આગળ વધારી, “અમે આખો દિવસ ફર્યા. પછી તેમણે મને કહ્યું કે, અમારે કોઈ મુફતીને મળવું છે. પણ હું કોઈ મુફતીને ઓળખતો નહોતો. હા, હું એક મૌલાનાને ઓળખતો હતો એટલે હું તેમને દરિયાપુરના મૌલાના અબ્દુલા પાસે લઈ ગયો હતો.
મેં મૌલાના સાહેબને કહ્યું કે, મહેમાન છે; કોઈ મુફતી સાહેબ સાથે તેમને મુલાકાત કરવી છે. તેમણે મને કહ્યું કે, જરૂર કામ થઈ જશે.”
હવે આદમની પૂછપરછમાં એક નવું નામ આવ્યું હતું, મૌલાના અબ્દુલા. આમ તો દરિયાપુરમાં અબ્દુલાનું નામ લોકો બહુ સન્માનથી લેતા હતા. વળી હજી તો આદમ પાસે ઘણા સત્ય ઓકાવવાના પણ બાકી હતા. પરંતુ હવે વારો હતો મૌલાના અબ્દુલાનો!
અચાનક સિંઘલને કંઈક યાદ આવ્યું. તેમણે આદમને પુછ્યું, “તે જે મકાન ભાડે રાખ્યું હતું, તેમાં તારા આ ‘મહેમાન’ રોકાયા હતા કે નહીં?”
આદમે કહ્યું, “જી સર, એક જ દિવસ રોકાયા હતા.”
“તેઓ શું વાત કરતા હતા?” સિંઘલે પુછ્યું.
આદમે કહ્યું, “સાહેબ, તેઓ ખાસ વાત કરતા નહોતા. હું પણ તેમને કોઈ સવાલ કરતો નહોતો. તે મને જે પુછે, તેના જ હું જવાબ આપતો હતો. તેઓ અંદરોઅંદર પણ કોઈ વાત કરતા નહોતા. મૌલાના અબ્દુલાએ કહ્યું હતું કે, હું એક મુફતી સાથે વાત કરાવીશ; એટલે એ મુફતી કયુમ પાસે બંનેને લઈ ગયા હતા. કયુમ સાહેબને જોયા ત્યારે યાદ આવ્યું કે, આ મુફતી સાહેબે તો અમારી કોમ માટે ઘણું કામ કર્યું છે. 2002ના દંગા વખતે તેમણે દરિયાપુરના બહાવીર હોલમાં કેમ્પ પણ ચલાવ્યો હતો.
“કયુમ સાથે પેલા છોકરાઓએ શું વાત કરી?” સિંઘલે સીધો સવાલ પુછ્યો.
“સાહેબ, એની મને ખબર નથી. કારણ કે, હું બહાર બેઠો હતો અને પેલા બે છોકરા, મૌલાના અને મુફતી સાહેબ અંદરના રૂમમાં ગયા હતા. તેઓએ કંઈક વાત કરી પછી પેલા બે બહાર આવ્યા અને મને કહ્યું, હવે તું જા. અમે અહીંયાં જ રોકાઈ જવાના છીએ. એ પછી હું ત્યાંથી નીકળી ગયો. ત્યારપછી શું થયું; તેની મને ખબર નથી.
આદમની વાત ચાલું હતી ત્યારે એક ઓફિસર રૂમમાં દાખલ થાય છે. એ.સી.પી. ગિરીશ સિંઘલને એ ગમ્યું નહીં, તેમણે ઓફિસર સામે જોયું. ઓફિસરે સલામ કરી અને માફીના સૂરમાં કહ્યું, “સર, એક અરજન્સી છે.”
તે સિંઘલની પાસે આવ્યો. આદમની હાજરીમાં વાત શક્ય નહોતી એટલે તેણે મોઢું ગિરીશ સિંઘલના કાન પાસે લાવીને થોડીક વાત કરી. સિંઘલના ચહેરા પર ચમક અને સ્મિત આવ્યાં. તેમણે પુછ્યું, “તે અત્યારે ક્યાં છે?”
ઓફિસરે કહ્યું, “સર, ઇન્ફરમેશન મળી છે કે, એ શાહપુરમાં જ છે.”
સિંઘલે કહ્યું, “તો મોડું ન કરતા. તરત ટીમને મોકલો અને એવું લાગતુ હોય; તો તમે પોતે જ જઈ આવો. પણ હા, સ્માર્ટલી મૂવ કરજો.”
“જી સર.”કહી અને સલામ કરી ઓફિસર બહાર નીકળ્યા. આદમની પુછપરપરછમાં મૌલાના અને મુફતીના નામ આવ્યાં હતાં, પણ તેની સાથે સલીમની પૂછપરછમાં તેણે વધુ એક નામ ઓફિસરને આપ્યું હતું. સલીમે આપેલાં નામ વાળી વ્યકિતને ઉપાડી લાવવા ક્રાઇમબ્રાંચની એક ટીમ શાહપુર રવાના થઈ હતી.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796