લતીફ ભાગ-7 : PSI મહેન્દ્રસિંહ રાણા (Mahendrasinh Rana) ને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં પણ ત્યારે ઘણું મોડું થઈ ગયુ હતું. પણ કમનસીબી એવી હતી કે પી.એસ.આઈ. રાણા (PSI Rana)ની પત્ની સગર્ભા હતી અને છેલ્લાં દિવસો જઈ રહ્યા હતા. આ ઘટનાના સમાચાર જયારે અખબારમાં પ્રસિદ્ધ થયા ત્યારે લોકોની અંદર એક ગુસ્સો હતો, કારણ કોમી તોફાનો ચાલુ હતાં. અખબારોના સમાચારમાં જે બીટવીન્ધી લાઈન્સ વાત હતી તે લોકોને સમજાતી હતી તે લતીફે (Latif) રાણાની હત્યા કરી અને લતીફ (Latif) મુસલીમ હતો. બીજા દિવસે રાણાનું પોસ્ટમાર્ટમ કરી તેમનો મૃતદેહ રાણાના સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના ગેડી ગામે લઈ જવાનો હતો.
પણ ગેડી ગામમાં એક જુદા પ્રકારનો તનાવ હતો, કારણ રાણાના ઘરની આસપાસ પણ મુસ્લિમોના ઘર હતાં. અમદાવાદ (Ahmedabad) ની ઘટનાના પડઘા ગામમાં પડે નહીં તે ચિંતાનાં વિષય હતો, પણ ટેમુભા રાણા (Rana) જેમણે પોતાનો જુવાન જોધ દિકરો ગુમાવ્યો હતો, તેમણે ગામના મુસ્લિમોને ખાતરી આપી કે તમારે ગામ છોડી ક્યાંય જવાનું નથી. મારા પુત્રનો મૃતદેહ આવશે ત્યારે પણ તમે અહિયા જ રહેશો. અમદાવાદના મુસલમાનો ભુલ કરે તેની સજા તમને કેવી રીતે મળે? અને રાણાના અંતિમ સંસ્કાર પણ શાંતિપુર્ણ થયા અને ગેડી ગામમાં મુસલમાનના ઘર ઉપર સામાન્ય પથ્થર પણ પડ્યો નહીં. રાણા મૃત્યુ પામ્યા તેના બારમાંની વિધી ચાલી રહી હતી ત્યારે સમાચાર આવ્યા કે રાણાની સગર્ભા પત્નીએ દિકરીને જન્મ (Baby Girl Born) આપ્યો છે. બહુ કરૂણ સ્થિતિ હતી, જે દીકરી જન્મી હતી તે ક્યારેય પોતાના પિતાનો ચહેરો જોઈ શકવાની ન્હોતી.
બીજી તરફ રાણા (Rana) ની હત્યા કરી ફરાર થયેલા લતીફ (Latif)ને બચાવવા માટે તેની મદદે કેટલાંક નેતાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ દોડા દોડી કરવા લાગ્યા હતા. આજે થાય છે તેવું ત્યારે પણ થતુ હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની ધરપકડનું નાટક શરૂ કરી દીધુ હતું. લતીફ (Latif)ના પહેલા ગુનાથી તેના છેલ્લાં ગુના સુધી તે લગભગ પોલીસ સામે ગોઠવણી કરી હાજર જ થઈ જતો હતો. તેના કારણે તેને ક્યારેય પોલીસનો માર સહન કરવાનો વખત જ આવ્યો ન્હોતો. તે પોલીસ સામે હાજર થતો હોવા છતાં કાગળ ઉપર તેને ઝડપી પાડયો હોવાનું નાટક થતુ હતું. દરેક વખતે તે તેની ધરપકડ બાદ વધુ મોટો થઈ બહાર આવતો હતો. રાણા (PSI Rana) ની હત્યાને કારણે તેના ખૌફમાં ચોક્કસ વધારો થયો હતો. છતાં પોલીસ અધિકારીઓનો એક ચોક્કસ વર્ગ હતો જે લતીફ (Latif)ને તેની હેસીયત બતાડી તેવા તત્પર હતાં. પણ હજી તેમનો સમય આવ્યો ન્હોતો અથવા તેમનું પોસ્ટિંગ એવી જગ્યાએ ન્હોતુ કે જ્યાં તેઓ લતીફ (Latif) સુધી પહોંચી શકે. તેમને તેમના સમયનો ઈંતઝાર હતો.
લતીફ (Latif) સામે કાર્યવાહી કરવામાં કોંગ્રેસી નેતા (Congress leaders) ની ઢીલી નિતી સામે હવે નારાજગી વધી રહી હતી, પણ કોંગ્રેસીઓએ પણ મુસ્લિમ મતને ધ્યાનમાં રાખી લતીફ (Latif) સામેની કડક કાર્યવાહીને કોમ સામેની કાર્યવાહી સમજતા હતાં. તેમનું માનવું હતું કે લતીફ (Latif) કડક કાર્યવાહી કરવામાં આવે તો મુસ્લિમો નારાજ થશે, પણ ત્યારના કોંગ્રેસી નેતાઓ રાજકિય ગણિત માંડવામાં નિષ્ફળ ગયા હતાં. તેમને અંદાજ આવ્યો નહીં કે મુસ્લિમોના તૃષ્ટીકરણને કારણે તેમનાથી હિન્દુ મતદારો દુર જઈ રહ્યા છે. બીજી તરફ 1985માં પાંચ વર્ષ પહેલા જ અસ્તીત્વમાં આવેલો ભાજપપક્ષ (BJP) આ ઘટનાનો ફાયદો લઈ જશે તેની કલ્પના પણ ન્હોતી.
કોમી તોફાનો દરમિયાન ભાજપની ભગીની સંસ્થાએ વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને બજરંગદળે (Bajrang Dal) પોળ વિસ્તાર અને પુર્વ અમદાવાદ (Ahmedabad) માં પગદંડો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. જેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો હતો. જો કે ભાજપ ક્યારેય સત્તા ઉપર આવશે તેવુ ખુદ ભાજપીઓ પણ માનતા ન્હોતા. પરંતુ 1985ના તોફાનો, કોંગ્રેસની ભુલો, તેમને તાકાતવર બનાવી રહી હતી. બીજી ખાસ વાત એવી હતી કે ત્યારના ભાજપના મોટા ભાગના નેતાઓ અશોક ભટ્ટ (Ashok Bhatt) સહિતના કોટ વિસ્તારમાં રહેતા હતાં. તેમનો લોકો સાથેનો સંપર્ક રોજબરોજનો હતો. કોમી તોફાનમાં ઈજા પામેલા લોકોને મળવા સૌથી પહેલા પહોંચી જનાર ભાજપી નેતાઓ હતાં. કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી. સામાન્ય મતદાર માનવા લાગ્યો હતો કે કોંગ્રેસ એટલે મુસ્લિમોની પાર્ટી અને ભાજપ એટલે હિન્દુઓનો પક્ષ. આ માન્યતા આજે 30 વર્ષ બાદ પણ ખાસ કરી અમદાવાદ (Ahmedabad) અને ગુજરાતના મોટા શહેરોમાં અકબંધ છે.
પોલીસ સાથે નક્કી કરી લતીફ (Latif) સાબરમતી જેલ (Sabarmati Jail) માં જતો રહ્યો હતો. પોતાના એક સબઈન્સપેક્ટરની હત્યા થઈ હોવા છતાં લતીફ (Latif)ને પોલીસ રીમાન્ડ દરમિયાન એક સામાન્ય લાકડી પણ ફટકારવામાં આવી ન્હોતી. કોઈ પણ ગુંડો ત્યારે જ તાકાતવર બને જયારે તેની ગુંડાગીરીમાં પોલીસ અને નેતાઓ સામેલ થાય અને લતીફ (Latif) તેનું ઉત્તમ ઉદાહરણ હતો. થોડા વર્ષો પહેલા જે લતીફ (Latif) પોલીસ અને નેતાઓને સલામ કરતો હતો હવે સ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે પોલીસ અને નેતાઓ તેને સલામ કરવા લાગ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં તો ઠીક પણ સાબરમતી જેલ (Sabarmati Jail) માં પણ તેની આગતા-સ્વાગતા કોઈ રાજદ્વારી નેતા હોય તેવી થતી હતી. જેલમાં પણ તેને તમામ પ્રકારની સગવડો મળી રહેતી હતી. લતીફ (Latif) જેલમાં આવે ત્યારે જાણે હવા ફેર કરવા આવ્યો તેવો દબદબો જેલમાં હતો. જો કે રાણા (Rana) ની હત્યા બાદ તેની ગેંગમાં રહેલા હિન્દુ ગુંડાઓ તેની ગેંગ ક્રમશ છોડી રહ્યા હતાં કારણ તેમણે જયારે લતીફ (Latif) સાથે કામ શરૂ કર્યુ તે એક બુટલેગર (Bootlegger) સાથે કામ હતું પણ હવે લતીફ (Latif) બુટલેગર (Bootlegger) મટી મુસ્લિમોનો મસીહા અને કોમનો નેતા થઈ ગયો હતો.
(ક્રમશ:)
PART – 6 | લતીફે PSI ની હત્યા કરી પછી તેને કોણ ભગાડ્યો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે








