Sunday, November 2, 2025
HomeGujaratલતીફ પાસે બે ડોનનો વિકલ્પ હતો પણ હવે ડર નામનો શબ્દ તેના...

લતીફ પાસે બે ડોનનો વિકલ્પ હતો પણ હવે ડર નામનો શબ્દ તેના જીવનમા ન્હોતો

- Advertisement -

લતીફ ભાગ-2 : દરિયાપુર વિસ્તારમાં નાના પાયે દારૂના ધંધામાં પગ મુકનાર લતીફ ( ABDUL LATIF )હજી પા પા પગલી માંડી રહ્યો હતો. તેની ઉમંર અને ધંધો હજી પ્રમાણમાં નાના હતાં. તે હજી વીસ વર્ષનો હતો, પણ તેને લાગી રહ્યું હતું આટલા નાના ધંધામાંથી મોટો ધંધો કરવા માટે તેને વર્ષો નિકળી જશે. 1980ના દસકમાં નાના – નાના દારૂના અનેક અડ્ડાઓ અમદાવાદમાં ચાલતા હતાં પણ લતીફ ( Latif )ને બધા કરતા આગળ નિકળી જવું હતું. જો કે મોટા ભાગના દારૂના અડ્ડાઓ હિન્દુ વિસ્તારમાં અને હિન્દુ બુટલેગરોના હતા. મેં આગળ કહ્યું તેમ લતીફ ( ABDUL LATIF ) આખા બે નંબરના ધંધાને વેપાર તરીકે જોઈ રહ્યો હતો. તે જ અરસામાં તેનો પરિચય થયો કૈલાશ જૈન સાથે, તે મુળ રાજસ્થાનનો હતો, જે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાનો ધંધો કરતો હતો.



કૈલાશે તેને દારૂના ધંધાનું અંક ગણિત સમજાવ્યું, કેટલાક રહસ્યો અને ખરા અર્થમાં વેપાર કેવી રીતે કરી શકાય તેનું જ્ઞાન આપ્યું. માંડ દસમાં ધોરણ સુધી ભણેલા લતીફ ની સ્કૂલની માર્કશીટ ભલે નબળી હતી, પણ તેને વેપારનું સ્ટેટમેન્ટ બનાવતા આવડી ગયું હતું. જેમ બીજા ધંધામાં મોનોપોલી છે તેમ આ ધંધામાં પણ મોનોપોલી ઉભી કરવી પડે તો તેનો વેપાર ચાલી નિકળે. છુટક દારૂના વેપાર સાથે લતીફે હોલસેલ વેપાર શરૂ કર્યો. તેમાં કૈલાશ જૈન મહત્વનો માણસ અથવા મિત્ર સાબીત થયો, લતીફ Latif નું રાજસ્થાનથી અમદાવાદ સુધીનું નેટવર્ક કૈલાશ સંભાળવા લાગ્યો હતો. અમદાવાદમાં જે બુટલેગરો દારૂનો છુટક ધંધો કરતા હતાં તેમને દારૂ સપ્લાય કરવાનું કામ લતીફે શરૂ કર્યું. જો કે સામાન્ય રીતે કરિયાણુ પણ માણસ એક જ દુકાનેથી ખરીદતો હોય છે તેમ દારૂનો ધંધો કરનાર પણ પોતાનો જુનો વેપારી બદલી લતીફ ( ABDUL LATIF )પાસેથી દારૂ ખરીદે તેવો પ્રશ્ન હતો.

અમદાવાદમાં પોલીસ સાથે સેટીંગ હોવા છતાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના બધા જ પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ ન્હોતા. તેના કારણે જો કોઈ પ્રામાણિક પોલીસ અધિકારીનું રાત્રે પેટ્રોલીંગમાં હોય તો દારૂ ભરેલી ટ્રક દરિયાપુર સુધી આવી જ ના શકે. આવા સંજોગોમાં ધંધો બગડતો હતો. લતીફના છુટક ગ્રાહકો તો ઠીક પણ જે લોકો તેની પાસે દારૂ ખરીદતા હતા તેવા બુટલેગરોને પણ ત્યાં તકલીફ ઉભી થતી હતી. લતીફ ( ABDUL LATIF )વેપારી હતો. તેણે તેની પાસેથી માલ ખરીદતા બુટલેગરોને ખાતરી આપી હતી કે તમે મારી પાસેથી માલ ખરીદશ તો તમને ક્યારેય તકલીફ નહીં પડે. જે બુટલેગરો લતીફ ( ABDUL LATIF )પાસેથી માલ લેવા લાગ્યા હતાં તેમને નિયમિત લતીફના માણસો નક્કી કરેલો સપ્લાય સમયસર પહોંચાડવા લાગ્યા હતાં. માની લો કે કોઈક દિવસ નાકાબંધીને કારણે લતીફ ( ABDUL LATIF )સપ્લાય આપી શકે નહીં તો બીજા દિવસે બુટલેગરને દારૂના જથ્થા સાથે ગઈકાલે ધંધો બંધ રહેવાને કારણે થયેલુ નુકશાન રોકડમાં ચુકવી દેવામાં આવતુ હતું.



આમ દારૂ વેચ્યા વગર નફો મળતો હોય તો હિન્દુ બુટલેગરોને લતીફ ( ABDUL LATIF )સાથે ધંધો કરવામાં વાંધો ન્હોતો. આમ તો ધર્મના નામે સામાન્ય માણસો જ લડતા હોય છે. બે નંબરના ધંધો કરનાર ક્યારેય ધર્મ પુછી ધંધો કરતા નથી. કોમવાદના મુદ્દે અમદાવાદ આઝાદી પહેલાથી દાવાનળ ઉપર જ બેઠેલુ છે. જો કે ત્યારે દરિયાપુર-શાહપુરમાં હિન્દુ મુસ્લીમ ( Hindu–Muslim ) વચ્ચે સાયકલની ટક્કર વાગે તો પણ કોમી તોફાન શરૂ થઈ જતા હતાં. આ સંજોગોમાં લતીફને ભાઈ બની ધંધો કરવો પરવડે તેમ ન્હોતો. તેનો વ્યવહાર વેપારી જેવો હોવા છતાં તેની ઉમંર તેને ડોન બનાવવા તરફ લઈ જઈ રહી હતી. આ વખતે મુંબઈમાં અલગ-અલગ ગેંગ કામ કરી રહી હતી. જેના સમાચાર અવારનવાર અમદાવાદ સુધી પણ આવતા હતાં. મુંબઈમાં લતીફના સમવયસ્કોનું સામ્રાજય ઉભુ થઈ ગયુ હતું. જેમાં એક પોલીસ પુત્ર દાઉદ ઈબ્રાહીમ હતો અને બીજી તરફ આલમઝેબ હતો. લતીફની અંદર રહેલા યુવાને ભાઈ થવા માટે આલમઝેબ સાથે હાથ મીલાવ્યો હતો કારણ કોઈ પણ 2 નંબરના ધંધામાં ખૌફ પણ હોવો જોઈએ અને ત્યારે ખૌફ ઉભો કરવા માટે આલમઝેબનું નામ જ પુરતુ હતું.

- Advertisement -

(ક્રમશ:)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular