નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વાર છોડવામાં આવતા પ્રદુષિત પાણીના કારણે નદીમાં પ્રદુષણ ફેલાય છે. સાબરમતીમાં આવી રીતે પ્રદુષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝ સામે સતત AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) અને ગજરાત હાઈ કોર્ટ કાર્યવાહી કરતા રહે છે, ત્યારે ગઈકાલે અમદાવાદમાં સાબરમતી નદીમાં ગેરકાયદે પ્રદુષિત પાણી છોડતી 467 ઇન્ડસ્ટ્રીઝના AMC દ્વારા ઇન્ડસ્ટ્રીયલ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં પ્રદુષણનું પ્રમાણ વધી જતા ગુજરાત હાઈ કોર્ટ દ્વારા અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી અને નદીમાં પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યાર બાદ AMC દ્વારા સતત અમદાવાદ શહેરના વિવિધ ઝોનેમાં તપાસ કરીને નદીમાં પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં અમદાવાદ શહેરમાં 467 જેટલા ઔદ્યોગિક એકમોને જોડાણ કાપી નાખવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ ઉત્તર ઝોનમાં નરોડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, સૈજપુર, સરસપુર, રખિયાલ અને બાપુનગર જેવા વિસ્તારમાં 89 ઔદ્યોગિક એકમોના જોડાણ કાપવામાં આવ્યા છે. પૂર્વ ઝોનમાં અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, ગોમતીપુર, રામોલ, હાથીજણ, નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં 127 ઔદ્યોગિક એકમોના જોડાણ કાપવામાં આવ્યા છે.
જ્યારે દક્ષિણ ઝોનમાં દાણીલીમડા, બેહરામપુરા, ઇસનપુર, લંભ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં 230 ઔદ્યોગિક એકમોના જોડાણ કાપવામાં આવ્યા છે અને મધ્ય ઝનમાં શાહીબાગ, અસારવા અને ખાડિયા વિસ્તારમાં 21 એકમોના જોડાણો AMC દ્વારા કાપવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |











