દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરવા પહોંચ્યા છે ત્યારે PMનું અભિવાદન કરવા માટે ભાજપ દ્વારા ‘યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ’ને બોલાવવામાં આવ્યા હતા. મિશન ગંગાની સફળતા દર્શાવવા માટે આ વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ પર સ્ટેજ બનાવીને અલગ ઊભા રાખવામાં આવ્યા હતા. જો કે આમાં કેટલા વિદ્યાર્થીઓ અહિયાં જાતે આવ્યા હતા અને કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા તે મહત્વનો સવાલ છે.
આ વિદ્યાર્થીઓને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બોલાવવામાં આવ્યા હતા, અલગ અલગ બસની વ્યવસ્થા ગોઠવીને આ વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અહિયાં આવેલા વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ પર બસમાંથી ઉતરતા જ ‘મિશન ગંગા’ લખેલી ટી શર્ટ, બોર્ડ્સ અને ટોપી આપી દેવામાં આવી હતી. યુક્રેનથી આવેલા આ વિદ્યાર્થીઓ આવી ગરમીમાં બે-બે ટી શર્ટ પહેરીને પ્રધાનમંત્રીના આવવાની રાહ જોતાં હતા. સવારથી જ આ વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર ઊભા કરી દેવામાં આવ્યા હતા એ પછી પ્રધાનમંત્રીના આગમન બાદ તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા.
સ્ટેજ પર રહેલા વિદ્યાર્થીઓએ નવજીવન ન્યૂઝની ટીમને જણાવ્યું હતું કે, “અમે પ્રધાનમંત્રીનો આભાર માનીએ છે કે તેમણે અમને યુક્રેનથી સલામત રીતે ભારત લાવવામાં મદદ કરી.” જો કે કેટલાક વિદ્યાર્થીઓ આ વાત સાથે સહમત ન હતા આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, “યુક્રેનથી નીકળવામાં અમને ઘણી તકલીફ પડી હતી. અમે જે સ્થળે હતા ત્યાંથી રોમાનીયા બોર્ડર લગભગ 400 કિલોમીટર દૂર હતી, અમે જેમતેમ કરીને બોર્ડર પર પહોંચ્યા હતા અને બોર્ડર ક્રોસ કરતી વખતે અમારા પર બોમ્બનું સેલિંગ પણ થયું હતું. અમારામાંથી એક વિદ્યાર્થિનીએ તેમાં ઘાયલ પણ થઈ હતી. યુક્રેનની ભારતીય એમ્બેસી ત્યાં અમને સરખા જવાબ પણ નહોતી આપતી અને જો અમે કોઈ કઈ બોલીએ તો અહિયાની આઇટી સેલની ટીમ્સ અમને બહુ ખરાબ રીતે ટ્રોલ કરતી હતી. અત્યારે પણ અમે અહિયાં ટ્રોલ ન થઈએ તેની બીકે જ આવ્યા છે.”
આ વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમને યુક્રેનમાં કોઈ પ્રકારની મદદ મળી ન હતી. અમને મિશન ગંગા અંતર્ગત યુક્રેનના પાડોશી દેશોમાંથી ભારત લાવવામાં આવ્યા છે. પાડોશી દેશો સુધી તો અમે અમારી જાતે મહેનત કરી જીવના જોખમે પહોંચ્યા હતા. તે કરવા માટે અમને કેટલી તકલીફ પડી તે અમે જ જાણીએ છીએ.
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓના સ્ટેજ પર કેટલાક ગાયક કલાકારો લોકોને મનોરંજન પૂરું પડતાં હતા. આ ગાયક કલાકારોએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ માટે ગીત ગાયું હતું કે ‘યુક્રેન સે લાયા મેરા દોસ્ત, મોદી કો સલામ કરો’ આવા ગીતોની તાલ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ અને ભાજપના કાર્યકર્તાઓ ગરબાની તાલે ઝૂમ્યા હતા. જો કે જેવો કાર્યક્રમ પત્યો કે તરત જ આ વિદ્યાર્થીઓએ મિશન ગંગાના બોર્ડ્સ જે તેમને આપવામાં આવ્યા હતા તે ફેંકીને પોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.