મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : કહેવાય છે કે, મા પાસે એવી હોય શક્તિ છે, જે પોતાનાં બાળક માટે ઈશ્વર સાથે પણ લડી શકવાની અને જીતવાની પણ ક્ષમતા ધરાવે છે. પરંતુ અમદાવાદમાં એક એવો બનાવ સામે આવ્યો છે; જાણે એ બનાવ દ્વારા કળયુગ પોતાની હાજરી સાબિત કરવા માગતો હોય! પૂર્વ અમદાવાદના ગરીબો માટે સંજીવની સમાન LG હોસ્પીટલમાં ત્રણ માસની એક બાળકી દાખલ હતી. જેની માતા તેને હોસ્પિટલનાં બિછાને જ છોડીને ક્યાંક ચાલી ગઈ છે. જેને શોધવામાં પરિવાર અને પોલીસને હજી સુધી સફળતા મળી નથી.
અમિત મિશ્રા અને તેમની પત્ની વિભા મિશ્રા પૂર્વ અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહે છે. તેમની ત્રણ મહિનાની દીકરી અનન્યાની તબિયત બગાડતાં, 25 નવેમ્બરે તેને મણિનગર ખાતે LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સારવાર ચાલુ જ હતી એ દરમિયાન 27 નવેમ્બરે તેની માતા વિભા મિશ્રા કંઈક વસ્તુ લેવાના બહાને હોસ્પિટલની બહાર નીકળી હતી. પરંતુ બીજા દિવસ સુધી તે પાછી ન આવતાં પરિવારે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદને પગલે પોલીસે પરિવારના સભ્યોના તથા હોસ્પિટલ સ્ટાફનાં નિવેદન પણ લીધા હતા. જેને આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે; પરંતુ હજી સુધી પોલીસને કોઈ કડી મળી નથી રહી. પોલીસે આ મામલે LG હોસ્પિટલનાં CCTV ફૂટેજ જોતાં વિભા બહાર નીકળતી જોવા મળે છે. પરંતુ ક્યાં ગઈ હોઈ શકે, એ મામલે હજી અટકળો જ ચાલું છે. જોકે, વિભાના પરિવારે જણાવ્યા મુજબ વિભાની માનસિક હાલત પણ સારી ન હતી, જેના કારણે પણ તે ક્યાંક ચાલી ગઈ હોવાનું અનુમાન કરી શકાય.
માત્ર પોલીસ જ નહીં, પરિવારે પણ વિભાને શોધવા માટે અનેક પ્રયત્ન હાથ ધાર્યા છે. તેમણે એસ.ટી. બસસ્ટેન્ડ, રેલવેસ્ટેશન, જશોદનગર, મણિનગર વગેરે જગ્યાએ વિભાના ફોટોગ્રાફ્સ લગાવ્યા છે. જેથી કોઈને વિભાની ભાળ મળે તો પરિવારનો સંપર્ક કરી શકે.
લગભગ પાંચ દિવસથી અનન્યા માતાની હૂંફથી વંછિત છે. જોકે હોસ્પિટલના સ્ટાફની મદદથી અમિત અનન્યાને સાચવે છે, પિતા હોવાના નાતે. પણ ‘મા એ મા’. હે ઈશ્વર, કેવું અનન્યાનું ભાગ્ય!
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796