નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં ગત માર્ચ માહિનામાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ નિહાળવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના વડાપ્રધાન આવ્યા હતા. આ મેચની પહેલા જ સોશિયલ મીડિયામાં એક પ્રિ રેકોર્ડેડ વોઇસ મેસેજ વાયરલ થયો હતો, જેમાં એક ખાલિસ્તાની સંગઠન (Khalistani Groups) દ્વારા મોટેરામાં હુમલો કરવા જેવી ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) મહારાષ્ટ્રના (Maharashtra) ભિવંડીથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પોતાનું જ એક ટેલિફોન એક્સચેન્જ (Fake Telecom Exchange) ઊભું કરીને આવા કૃત્યો કરતાં હતા.
શું હતી સમગ્ર ઘટના ?
ગત 9 માર્ચના રોજ મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળવા માટે બંને દેશના પ્રધાનમંત્રી આવવાના હતા, તે દરમિયાન સોશિયલ મીડિયામાં ધમકી ભર્યો પ્રિ રેકોર્ડેડ મેસેજ વાયરલ થયો હતો અને લોકોને મેચ જોવા ન જવા માટે અપીલ કરવામાં આવી હતી. આ મેસેજની જવાબદારી ‘જસ્ટિસ ફોર શીખ’નામના સંગઠન દ્વારા લેવામાં આવી હતી. આ સંગઠનને 2019માં આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે અને તેના પ્રમુખ ગુરપતવંત સિંઘ પન્નુંને ભારત સરકારે UAPA એક્ટ અંતર્ગત 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો.
આ મેસેજ વાયરલ થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ સતત આ મેસેજ વાયરલ કરનારા લોકોને શોધવા માટે પ્રયત્ન કરી રહી હતી, તે દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના DySP જે. એમ. યાદવે ટેકનિકલ એનાલિસિસ કરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના ભિવંડીમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ભિવંડીમાં 7 દિવસના ઓપરેશન બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપીઓએ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને પોતાનું આગવું ટેલિફોન એક્સચેન્જ ઊભું કર્યું હતું. જેમાં તેમણે 4 સીમબોક્સ, 3 રાઉટર, 3 મોબાઈલ, 1 લેપટોપ અને 605 જેટલા સીમકાર્ડની મદદથી વિદેશથી આવતા કોલને સામાન્ય નંબરમાં ફેરવી દેતા હતા. જેથી કોઈ આંતરરાષ્ટ્રીય કોલની જાણકારી કોઈને મળી શકે નહીં. જોકે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ તમામ ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ આરોપીઓને અમદાવાદ લાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796