નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ધણાં સમયથી વાહનચોરોએ એક નવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં તેઓ વાહનના સાયલેન્સર ચોરી કરી વેચી મારે છે. જેમાં ખાસ તેઓ ઇકો ગાડીના સાયલેન્સરને ખાસ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ચોરો રાતના સમયે અધાંરાનો લાભ લઇ ચોરી કરી જાય છે જેથી પોલીસ ફરીયાદ થાય તો તેઓની ઓળખ ન થઈ શકે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટ એસ. કે. જાડેજાની ટીમને માહીતી મળી હતી કે, શહેરના વટવા વિસ્તારમાં એક વ્યક્તિ પાસે મોટી સંખ્યામાં ચોરીના સાયલેન્સર છે. માહીતીના આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર આઈ. એમ. ઝાલાની ટીમે તપાસ કરતા વટવા કેનાલ પાસેથી 24 વર્ષીય શાનુ કુરેશીને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી ચોરીના 10 જેટલા ઇકો ગાડીને સાયલેન્સર મળી આવ્યા હતા. પોલીસે વધુ પુછપરછ કરતા આરોપીએ સ્વીકાર્યુ કે, પોતે મહેસાણા જીલ્લાના ગોઝારીયા, આંબલીયાસણ, મુદરડા, કરજીસણ, દુધઇ, ધોણાસણ, જગુદણ, નંદાસણ, આખજ અને અંબાસણથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરા કરેલા છે. આરોપી પર મહેસાણા જીલ્લામાં કૂલ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકો ગાડીના સાયલેન્સરના મધ્યમાં મોંઘા ભાવનો પદાર્થ હોય છે જે પ્લેડેનીયમ નામથી ઓળખાય છે. તે ખૂબ કીંમતી હોવાથી ખૂબ ઉંચી કીંમતે વહેચી શકાય છે. જેના કારણે આ ચોરો ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરે છે અને અંદરથી નીકળતો પદાર્થ બજારમાં વેચી દે છે.