નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં સતત આંગડિયા પેઢીના (angadia firm) કર્મચારીઓને નિશાન બનાવીને લૂંટ (Loot) ચલાવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના (Gujarat) આંગડિયાને ટાર્ગેટ કરતી ગેંગના લીડર અલ્કેશસિંગ ભદોરીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. પોલીસને આ વ્યક્તિ પાસેથી 2 દેશી તમંચા, 1 પીસ્ટલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા છે. અલ્કેશસિંગ અમદાવાદની (Ahmedabad) આંગડિયા પેઢીમાં લૂંટ (Angadia Firm Robbery) ચલાવા માટે આવ્યો હતો. જોકે તે ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે.
અમદાવાદમાં આગામી સમયમાં રથયાત્રા નીકળવાની છે. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં ગેરકાયદે હથિયાર રાખતા વ્યક્તિઓને શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ સબ ઈન્સપેક્ટર બી. યુ. મુરીમાએ બાતમીના આધારે અલ્કેશસિંગ ભદોરીયાને મેમકો વિસ્તારમાં આવેલી આંનદ હોસ્પિટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બે દેશી તમંચા, 1 પીસ્ટલ અને 12 કારતૂસ મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીને ક્રાઈમ બ્રાંચ લાવીને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, વીશ દિવસ પહેલા મધ્ય પ્રદેશના ભીંડ ગોરમી ખાતે ગયો હતો. તે દરમિયાન એક અજાણ્યા માણસે હથિયાર આપવાની વાત કરતાં તેની પાસેથી આ હથિયાર રૂપિયા 35 હાજરમાં ખરીદ્યા હતા. અલ્કેશસિંગ ભદોરીયા ગુજરાત અને મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડર છે. વર્ષ 2022માં રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ નાસફતો ફરતો હતો. જેલમાંથી છૂટ્યા બાદ અલ્કેસિંગ તેના સાગરિતો સાથે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોહદમાં રૂપિયા 14 લાખની લૂંટને અંજામ આપી હતી. આ દરમિયાન પોલીસ તેમને પકડવા જતાં પોલીસ ફાયરિંગમાં એક આરોપીને ગોળી વાગી હતી. જ્યારે અલ્કેસિંગ ત્યાંથી ભાગી છૂટતા તે ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
અલ્કેસિંગે મધ્યપ્રદેશથી હથિયારો ખરિદ્યા બાદ જૂના સાગરીતો સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં ફાયરીંગ કરીને લૂંટને અંજામ આપવા માટે આવ્યો હતો. જોકે અમદવાદ ક્રાઈમ બ્રાંચ ગુનેગારથી એક કદમ આગળ નીકળીને ગુનાને અંજામ આપે તે પહેલા જ જેલ હવાલે ધકેલી દીધો છે. અગાઉ આરોપી ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામમાં લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપી ચૂક્યો છે. અગાઉ અલ્કેસિંગ મોરબીમાં ડબલ મર્ડર સાથે લૂંટ કરીને ભાગ્યો હતો, ત્યારે તેને પકડવા માટે રાજ્યમાં નાકાબંધી કરાવામાં આવી હતી. આ દરમિયાન વિરમગામ પાસે પોલીસ ઉપર હુમલો કરીને નાકાબંધી તોડીને ભાગ્યો હતો. જેથી અલ્કેસિંગ સામે હત્યાની કોશિષનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.