પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યાર પછી કાવાદાવા શરૂ થતાં હોય છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તાથી માઈલો દુર છે, છતાં તેમની વચ્ચે કહેવાતો વિવાદ ભાજપને પણ આંટી જાય તેવો છે. આપ પાર્ટીના ઉમરેઠના નેતા રવિ પટેલે આરોપ મુકયો છે કે, પેપર લીક થવાના મુદ્દે કમલમ્ ઉપર જઈ ઈશુદાન ગઢવીને ફસાવી દેવાનું પ્લાનીંગ ગોપાલ ઈટાલીયાનું હતુ કારણ આગલી રાત્રે એક પાર્ટી થઈ હતી. જેમાં ઈશુદાન હાજર છે તેની જાણ ગોપાલ ઈટાલીયાને હતી. આમ ઈટાલીયા ઈશુદાનની રાજકીય છબી બગાડવા માંગે છે, આ મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા આ તમામ આરોપોને બેબુનિયાદ હોવાનું કહી રવિ પટેલને એક વર્ષ પહેલા આપમાંથી હાંકી કાઢયા હોવાનું જણાવ્યું હતું.
સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા રવિ પટેલે ઘટસ્ફોટ કર્યો હતો કે પેપર લીકના મુદ્દે આપના કાર્યકરોને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ જવાનું પણ છેલ્લી ઘડીએ ગોપાલ ઈટાલીયાએ પ્લાન બદલી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ જવાની સૂચના આપી હતી, કારણ ઈટાલીયા જાણતા હતા કે આગલી રાત્રે થયેલી એક દારૂ પાર્ટીમાં ઈશુદાન ગઢવી હાજર હતા. આમ ઈટાલીયાએ ઈરાદાપૂર્વક ઈશુદાનને ફસાવી દેવા માટે કમલમ્ જવાની યોજના બનાવી હતી, પોતાનો પરિચય આપના કિસાન નેતા તરીકે આપનાર રવિ પટેલનો આરોપ છે કે ખુદ કેજરીવાલ ઈશુદાનને ગુજરાતના કેજરીવાલ તરીકે ઓળખાવે છે આ બાબત ઈટાલીયા માટે અસહ્ય છે.
રવિ પટેલે વધુ આરોપ મુકતા કહ્યું કે આખો ક્રમ જુઓ તો સમજાશે કે જ્યારે આપના નેતાઓ ઉપર સૌરાષ્ટ્રમાં હુમલો થાય છે તેની થોડી મિનીટ પહેલા જ ગોપાલ ઈટાલીયા આપના કાફલામાંથી બહાર નિકળી જાય છે, આ ઉપરાંત ઈશુદાન ગઢવી ઉપર એક પછી એક એફઆઈઆર થાય છે પણ ઈટાલીયા સામે થતી નથી, જે ઘણી સૂચક બાબત છે. ગોપાલ ઈટાલીયા ઈચ્છે છે કે ઈશુદાનની રાજકીય છબી બગડે, રવિ પટેલના આરોપો પછી નવજીવન (Navajivan News)દ્વારા ઈશુદાન ગઢવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો, અગાઉ દારૂ પીવાના મામલે ઈશુદાને મા મોગલના સમ ખાઈ પોતે દારૂ પીતા નથી તેવો દાવો કર્યો હતો. જયારે ગોપાલ ઈટાલીયાનો સંપર્ક કરી તેમને રવિ પટેલના આરોપો અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું આરોપ બેબુનીયાદ તથ્ય વિહીન છે. રવિ પટેલને એક વર્ષ પહેલા આપના પ્રાથમિક સભ્યપદેથી દુર કરવામાં આવ્યા હોવાન કારણે તેઓ વર્ષ પોતાનો સમય બગાડી આવી પ્રવૃત્તી કરી રહ્યા છે, સવાલ છે ઈશુદાન સાથેના સંબંધોનો તો અમે સત્તાથી બહુ દુર છીએ અમારી પાસે એકબીજા પાસેથી છીનવી લેવાનું જ કઈ નથી, તો લડાઈનો પ્રશ્ન કયાંથી ઉભો થાય.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.