શું આપણે વધુ એક નાણાંકટોકટી તરફ આગ્રેસર છીએ?
રોકાણકારો સલામતીની શોધમાં સોના ચાંદી તરફ પાછા ફર્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આજે આખા વિશ્વમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે, શું આપણે વધુ એક નાણાં કટોકટી તરફ આગ્રેસર છીએ? એનાલિસ્ટો કહે છે કે બસ જે તરફ જય રહી છે, તે તો એજ સૂચવે છે. અમેરિકન ટ્રેઝરી બિલ અને યુરોઝોન બોન્ડ યીલ્ડ ઘટ્યા, બેંકિંગ શેરો તૂટ્યા પછી સર્જાયેલી વિશ્વાસની કટોકટીએ હવે વ્યાજદર વૃધ્ધિની અપેક્ષાઓ પણ વધી છે. રોકાણકારો સલામતીની શોધમાં સોના ચાંદી તરફ પાછા ફર્યા છે, તેજી નવેસરથી આગળ વધવા લાગી છે.
નાયમેક્સ એપ્રિલ રોકડો વાયદો બુધવારે ૧૯૪૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) થયા બાદ ગુરુવારે કેટલાંક નબળા મનના ખેલાડીઓ, છ સપ્તાહની ઊંચાઈએથી નફો ગાંઠે બાંધવા આવતા, ભાવ ૧૯૧૧.૫૦ ડોલર સુધી નીચે મુકાયા હતા. રોકડો વાયદો ૨ ફેબ્રુઆરીએ ઇન્ટ્રાડેમાં ૧૯૫૯.૧૦ ડોલર બોલાયા પછી સિઝન હાઇ ૧૯૪૨.૪૫ ડોલર રહ્યો હતો. કેટલાંક ટ્રેડરોએ બુધવારે હાજર સોનાના સોદા, વાયદાની નજીકના ભાવે ૧૯૩૫ ડોલરમાં કર્યા હતા, જે એક સપ્તાહ અગાઉ કરતાં ૧૦૦ ડોલર વધુ હતા. હાજર સોનું પણ ઇન્ટ્રાડેમાં ૧૯૩૭ ડોલર બોલાયુ હતું જે છ સપ્તાહની ઊંચાઈએ હતું.
૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૨૦૭૫ ડોલરની ઓલ ટાઈમ હાઇ નોંધાવ્યા પછી છેલ્લા બે વર્ષ દરમિયાન ભાવ ૧૬૮૦ અને ૧૯૮૦ ડોલર વચ્ચે અથડાતાં રહ્યા હતા. આરંભમાં મંદિવાળાઓએ ૧૬૮૦ ડોલરને સપોર્ટ લેવલ બનાવીને ભાવ તોડયે રાખ્યા હતા. અલબત્ત, લાંબા સમય સુધી તેજીવાળા ૨૦૦૦ ડોલરની ભાવ સપાટી તોડવામાં નિષ્ફળ ગયા છે. જો કે સપ્ટેમ્બર ૨૦૨૨માં નાણાકીય બજારમાં ચિંતાઓ ચરમસીમાએ પહોચી ત્યારે તેજીવાળાને તાત્પૂર્તિ રાહત મળી હતી અને ભાવ ઘટતા અટક્યાં હતા.
અમેરિકાની સિલિકોન વેલી બેન્ક ઉઠ્યા પછી યુરોપની બીજા નંબરની સૌથી મોટી સ્વીઝરલન્ડની ક્રેડિટ સ્યૂઇસના શેર બુધવારે જ્યુરિચ શેરબજાર ખાતે 30 ટકા કરતાં વધુ તૂટી પડતાં, આખી દુનિયામાં હોબાળો મચી ગયો હતો. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેંટએ કહ્યું કે ક્રેડિટ સ્યૂઇસના લોચા પછી અમે અમેરિકન બેંકોનું તેમાં કેટલું હિત છે, તે ચકાસી રહ્યા છીએ.
આ ઘટના પછી હવે ગોલ્ડ માઇનિંગ કંપનીઓ આ ક્ષેત્રની મજબૂતીનું આકલન કરવા લાગી છે. ગુરુવારે રોજિંદો ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદી અથવા સોનાના ભાવ ભાગ્યા ચાંદીના ભાવ) ૮૭.૮૮ આવતા આવું આકલન આવશ્યક બન્યું હતું. જો છેલ્લા પાંચ વર્ષનો ૯૦નો ઐતિહાસિક રેશિયો જોઈએ તો તે તેજીના સંકેત આપે છે. આ સંદર્ભ સંકેતો પણ કહે છે કે સોના અને ચાંદીના ભાવ લગભગ સમાંતર વધી રહ્યા છે. આ બધી ઘટનાઓ આપણને કહે છે કે સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ સંભવિત છે.
શુક્રવારે રજૂ થયેલા તાજા બિનકૃષિ રોજગારીના આંકડા એવા સંકેતએ આપવા લાગ્યા છે કે ૨૨ માર્ચએ મળનાર મિટિંગમાં અડધો વ્યાજદર વૃધ્ધિ સંભવિત છે. જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં રોજગારીના આંકડા વધુ સારા આવવાથી કેટલાંક એનાલિસ્ટો એવું માનવા લાગ્યા છે કે વ્યાજદર વૃધ્ધિ ૦.૨૫ ટકા જ સંભવિત છે, અલબત્ત આ અંગેના મતો વ્હેચાયેલા છે.
અમેરિકન સંસદની બેંકિંગ સમિતિ સમક્ષ ફેડ અધ્યક્ષ પોવેલે પોતની કેફિયત રજૂ કરતાં કહ્યું હતું કે આંકડાઓ કશું કહેતા નથી, બસ ત એ એટલુંજ કહે છે કે આપણે સજ્જતાપૂર્વક ખૂબ મહેનત કરવાની છે. આપણને એ દાખવવાનું છે કે પરિસ્થિતી મજબૂત રીતે આપણાં હાથમાં રહે. તેમની આવી ટિપ્પણીથી ૭૮ ટકા એનાલિસ્ટો એવું માનવા લાગ્યા છે કે ૨૨ માર્ચે ૦.૫૦ ટકા વ્યાજ વૃધ્ધિ થશે.
(અસ્વીકાર સુચના commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)