નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વર્ષ 2017માં પ્લેન હાઇજેક થયું હોવાની ધમકી (hijack threat) આપનારા આરોપી બિરજુ સલ્લાને (Birju Salla) અમદાવાદ NIA સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા અને પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. જેની સામે બિરજુએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેનો ચુકાદો આપતા આજે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) તેને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. તથા દંડ ભરવામાંથી પણ મુક્તિ આપી છે.
આ કેસની વિગતો સંક્ષિપ્તમાં જાણીએ
ગત તારીખ 30/10/2017ના રોજ જેટ એરવેઝની એક ફ્લાઇટ મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. જેનું અચાનક અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કારણ કે, એમાં બિઝનેસ ક્લાસના વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં લખાણનો મતલબ થતો હતો કે, “આ પ્લેન હાઈજેક કરી લેવામાં આવ્યું છે. આ હવે પ્લેન સીધું જ POKમાં લેન્ડ થશે.”
પરંતુ પાયલોટની સમયસૂચકતાને કારણે પ્લેન અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર લેન્ડ થાય છે અને કોઈ ગંભીર ઘટના બનતી નથી. પરંતુ આ ચિઠ્ઠીથી પ્લેનમાં રહેલા સ્ટાફ સહિત તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારબાદ અમદાવાદના DCB પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. જેની તપાસ, કેન્દ્રની એજન્સી NIAને સોંપવામાં આવે છે. જે તપાસને અંતે આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન તેની કેટલીક મિલકત પણ સીઝ કરી દેવામાં આવે છે. ત્યારબાદ અમદાવાદમાં NIA સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે.
આ કેસમાં લગભગ ૨૭ જેટલા સાક્ષી અને ફોરેન્સિક રિપોર્ટ સહિત ૮૪ જેટલા દસ્તાવેજી પુરાવા પણ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેને આધારે સેશન્સ કોર્ટ દ્વારા 11/06/2019ના રોજ એન્ટિ હાઇજેકિંગ એક્ટ-2016 અંતર્ગત બિરજુ સલ્લાને દોષી જાહેર કરીને સખત આજીવન કેદની સજા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેને પાંચ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી પ્લેનના સ્ટાફને જે માનસિક તણાવ અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એ પેટે બંને પાયલોટને એક-એક લાખ, બે ક્રૂ મેમ્બરને ૫૦-૫૦ હજાર તથા અન્ય ક્રૂ મેમ્બર અને મુસાફરોને ૨૫-૨૫ હજાર ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટના આ ચુકાદાને પડકારવા આરોપી બિરજુ સલ્લાએ 26/07/2019ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેનો ચુકાદો આજે આવ્યો છે. જેમાં હાઇકોર્ટ દ્વારા આરોપી બિરજુ સલ્લાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તથા તપાસ દરમિયાન સિઝ કરાયેલી તેની મિલકત પણ તેને પરત આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં સેશન્સ કોર્ટે જે પાંચ કરોડ દંડ ભરવાનો હુકમ કર્યો હતો, તેમાંથી પણ તેને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત પ્લેનના સ્ટાફ, ક્રૂ મેમ્બર તથા મુસાફરોને જે વળતર ચૂકવવાનો આદેશ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, તેમાં પણ હાઇકોર્ટે કહ્યું છે કે, આ પ્રકારે કોઈ વળતર ચૂકવવું નહીં, અને જો ચૂકવાઈ ગયું હોય તો જે તે વ્યક્તિ પાસેથી પરત મેળવી લેવું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








