Friday, December 1, 2023
HomeGujaratજંગલમા એક સ્ત્રી ચિપાન્ઝીઓ સાથે 60 વર્ષ સુધી રહી ત્યાર બાદ શુ...

જંગલમા એક સ્ત્રી ચિપાન્ઝીઓ સાથે 60 વર્ષ સુધી રહી ત્યાર બાદ શુ થયુ

- Advertisement -

કિરણ કાપુરે નવજીવન: અમેરિકાની ટેંપલટન ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં અદ્વિતિય યોગદાન આપવા બદલ ટેંપલટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના જ્યૂરી પેનલમાં હિંદુ, ઇસાઇ, યહૂદી, બુદ્ધ અને મુસ્લિમ ધર્મી સમાવિષ્ટ છે અને તમામ ધર્મી આ પુરસ્કાર મેળવી શકે છે. પુરસ્કારની પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન તેની ઇનામી રાશિથી થતું નથી, તેમ છતાં એટલું જાણવું રહ્યું કે નોબલ પ્રાઇઝ કરતાં ટેંપલટન પુરસ્કારની ઇનામી રાશિ વધુ છે. ટેંપલટન પુરસ્કાર વિશે જાણવું આપણા માટે એ રીતે પણ અગત્યનું છે કે 1973માં આ સન્માન આરંભાયા બાદ તેના પ્રથમ પુરર્સ્કર્તા મધર ટેરેસા હતાં, અને તે પછી સર્વપલ્લી રાધાકૃષ્ણન્, બાબા આમટે, પાડુંરંગ આઠવલે અને દલાઈ લામાને આ સન્માન પ્રાપ્ત થયું છે.

આધ્યાત્મિક વિશ્વમાં આ સન્માન જાણીતું છે અને આ વર્ષે તે મેળવનારાઓની યાદીમાં સમાવિષ્ટ થનારું નામ છે જેન ગુડાલનું. ઇંગ્લેંડના જેન ગુડાલ નામ અજાણ્યું લાગે; પણ તેઓની તસવીર-વિડિયો અવારનવાર ‘નેશનલ જિયોગ્રાફી’,‘ડિસ્કવરી’અને‘એનિમલ પ્લાનેટ’ચેનલો પર આવતી રહે છે. ચિપાન્ઝીઓની સાથેનો તેમનો પ્રેમ દુનિયાભરના લોકોનો ધ્યાન ખેંચી ચૂક્યો છે. ચિપાન્ઝીઓ સાથે તેમનું સહજીવન રહ્યું છે. આજે જેન ગુડાલ 87 વર્ષના છે અને તેમણે પોતાનું સાઠ વર્ષનું જીવન ચિપાન્ઝીઓ સાથે વિતાવ્યું છે. જેન ગુડાલની વ્યવસાયિક ઓળખ એન્થ્રોપોલોજિસ્ટ (માનવશાસ્ત્રના જ્ઞાતા) અને પ્રાઇમાટોલોજિસ્ટ (એનાટોમી, બાયોલોજી, સાઇકોલોજી અને વેટરનિટીના અભ્યાસને મળીને આ શાસ્ત્ર બને છે, જે મુખ્યત્વે મેમલ્સથી એન્થ્રોપોલિજિસ્ટની શાખાનો અભ્યાસુ છે) છે. આ ઓળખ મેળવવા જેન ગુડાલે પોતાના જીવનના છ દાયકા આપ્યા છે અને ટેંપલટન સન્માન સાથે તેઓ જાણીતા મેગેઝિન ‘ટાઇમ’ના કવર પેજ પર પણ આ વખતે ચમકયાં છે.

- Advertisement -

જેન ગુડાલની આ સફર આરંભાય છે તાન્ઝાનિયાના ગોમ્બેસ્ટ્રીમ નેશનલ પાર્કથી. તાન્ઝાનિયાનો આ સૌથી નાનો નેશનલ પાર્ક છે, પણ ચિપાન્ઝીઓના હાજરીના કારણે તે વિશેષ છે. જેન ગુડાલ 26 વર્ષના હતા ત્યારે પહેલી વાર અહીં આવ્યાં અને પછી તેઓ અહીંના જ બની રહ્યાં. ગોમ્બસ્ટ્રીમનું વિશ્વ તેમને એટલું બધું ગમી ગયું કે તેઓ પોતાના ઇંગ્લેન્ડના કાળને ભૂલીને અહીં રહેવાં લાગ્યાં. ચિપાન્ઝીઓમાં તેમને રસ પડ્યો અને તે વિશેની જાણ જાણે ચિપાન્ઝીઓની પણ થઈ હોય તેમ તેઓ જેન સાથે વર્તવા લાગ્યા. જેન ગુડાલ ચિપાન્ઝીઓને પ્રેમ વરસાવવા માટે જ નહોતાં આવ્યાં બલકે તેમને વિધિવત્ રીતે અભ્યાસ પણ કરવો હતો. જોકે જ્યારે તેઓ અહીં આવ્યાં ત્યારે તેમની પાસે ડૉક્ટરેટ થઈ શકે તેવું કોઈ શિક્ષણ નહોતું. પરંતુ તેમનું કાર્ય જોતાં શિક્ષણના માપદંડથી મુક્તિ આપવામાં આવી અને તેમણે 1966માં પોતાનું ડૉક્ટરેટ પૂર્ણ કર્યું. તેમના સંશોધનનો વિષય હતો ‘બિહેવિઅર ઑફ ફ્રી લિવિંગ ચિપાન્ઝીસ્’.

આ અભ્યાસમાં તેમણે જાણ્યું કે ચિપાન્ઝી અને માનવી 98 સરખા જિનેટિક કોડ ધરાવે છે. તે કાળે ચિપાન્ઝીના વર્તન-વલણ વિશેનું જ્ઞાન સામે આવ્યું નહોતું. ચિપાન્ઝીનાં સામાજિક બંધારણની વાત પણ અજાણી હતી. જેન ગુડાલે સંશોધન આરંભ્યું ત્યારે પ્રાણીઓના મસ્તિષ્ક વિશે વાત કરવી અસહજ ગણાતી. ઇવન, પ્રાણીઓના ક્ષેત્રે કામ કરનારાઓ માટે પણ. માનવી જ વિચારી શકે છે તેવું દૃઢપણે માનવામાં આવતું. પ્રાણીઓના વર્તન-વલણની જાણ તો લોકોને હતી, પરંતુ શાસ્ત્રની રીતે તેને સમજાવવું અને અન્યને તે સ્વીકારતાં કરવું તે દૂરની વાત હતી. જેન ગુડાલે અભ્યાસ દ્વારા એ સાબિત કરી આપ્યું કે ચિપાન્ઝી વિચારી શકે છે અને લાગણી પણ દર્શાવી શકે છે. ચિપાન્ઝી એકબીજાને ગળે મળે છે, કિસ કરે છે, શાબાશી આપે છે. અને અન્ય માનવી જેવું વલણ તેમનાં માટે સહજ છે. તેઓનો પરિવારપ્રેમ પણ તેમનાં વર્તનમાં ઝળકે છે. પરિવાર સાથે તેઓ એક સમાજ પણ ધરાવે છે, જેમની સાથે તેઓ એ પ્રમાણે વ્યવહાર રાખે છે. આમ, ઇમોશન, ઇન્ટેલિજન્સ, પરિવાર અને સમાજિક સંબંધો જેવાં માનવીય તત્વો તેમનામાં જોવા મળે છે.

જેન ગુડાલ એવું પણ સાબિત કરી શક્યા છે કે માત્ર જગતમાં માનવી જ સાધનોનો ઉપયોગ કરી શકે તેમ નથી, બલકે ચિપાન્ઝી પોતાની મેળે સાધન બનાવીને તેનો ઉપયોગ કરે છે. આ રીતે એક માન્યતા ચિપાન્ઝીને શાકાહારી છે તે હતી. પરંતુ જેન ગુડાલે તે ધારણા ખોટી પાડી અને તેઓ કેવી રીતે આયોજનબદ્ધ શિકાર કરે છે તે પુરાવા સહિત સમજાવ્યું. તેમણે ચિપાન્ઝીઓ સાથેના લાંબા સહવાસમાં એ જોયું કે તેઓ માનવીને જેમ હુંફાળા સંબંધ રાખે છે. પણ બીજી તરફ તેઓ આક્રમક થાય છે, હિંસા પર ઉતરી આવે છે અને એકબીજા પર હૂમલો કરીને નુકસાન પહોંચાડે છે. ચિપાન્ઝીની રહેણીકરણી-વર્તન-વલણ વિશે તેમણે વિસ્તૃત આલેખન તેમણે ‘થ્રૂ અ વિન્ડો : માય થર્ટી યર્સ વિધ ધ ચિમાન્ઝીસ ઑફ ગોમ્બે’ નામના પુસ્તકમાં કર્યું છે.

અહીં સુધીનું તેમનું કાર્ય ચિપાન્ઝીને ઓળખવાનું હતું, પરંતુ તે પછી તેમણે જે જવાબદારી ઉપાડી તે તેમની સુરક્ષાની હતી. વિશ્વમાં હાલમાં ચિપાન્ઝીની સંખ્યા દોઢ લાખથી ત્રણ લાખ સુધી અંદાજવામાં આવે છે. અને ‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઑફ નેચર’ની યાદી પ્રમાણે ચિપાન્ઝી ‘રેડ લિસ્ટ’માં સ્થાન ધરાવે છે. એની લુપ્ત થવાની શક્યતા છે. પરંતુ તેમ છતાં ચિપાન્ઝીની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તેનો શિકાર પણ થાય છે અને યુરોપ-અમેરિકામાં એક સમય સુધી ચિપાન્ઝી ટી પાર્ટી પણ યોજવામાં આવતી. જેમાં ચિપાન્ઝીને કપડાં પહેરીને બાજુમાં બેસાડીને લોકો આનંદ લેતાં. આવાં મનોરંજનના હેતુસર ચીપાન્ઝીનો ઉપયોગ તેમનાં પર જોખમ વધારી રહ્યું છે. જેને આ માટે ‘જેન ગુડવિલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરી છે.

- Advertisement -

આ કામ સાથે તેઓની આધ્યાત્મિક સફર ચાલતી રહી. તેઓ ધાર્મિક રહ્યાં છે. આ વિશે તેમણે ‘રિઝન ફોર હોપ : અ સ્પિરીચ્યૂલ જર્ની’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ આધ્યાત્મિક સફર વિશે એક વખત તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘શું તેઓ ઈશ્વરમાં આસ્થા ધરાવે છે?’ ત્યારે તેમનો ઉત્તર હતો કે, “મને એનો ખ્યાલ નથી કે ઈશ્વર છે કે નહીં. પરંતુ હું આધ્યાત્મિક શક્તિ પર વિશ્વાસ ધરાવું છું. અને જ્યારે કુદરતી વાતાવરણમાં હોઉં ત્યારે તેની અનુભૂતિ કરું છું. તે શક્તિ મારાં કે અન્ય કોઈ કરતાં વધુ મજબૂત છે. તે હું અનુભવું છું. અને તે શક્તિ મારાં અસ્તિત્વ માટે પૂરતી છે.” તેમના કામમાં પણ તેમણે આ રીતે આધ્યાત્મિકતા અનુભવી છે. તેમણે કહ્યું છે કે “જંગલ અને પ્રાણીઓ સાથે તેમનું “સ્પિરીચ્યૂઅલ કનેક્શન” છે. અને જો તમે એકલા હોવ તો તમે નિસર્ગના હિસ્સો છે તેમ અનુભવશો. અને જો તમે કોઈની સાથે છો, પછી તે વ્યક્તિ ભલે તમારો પ્રેમી હોય પણ નિસર્ગમાં પછી તમે એકલા નથી રહેતા. અને તેમાં સમ્મિલિત પણ નથી થઈ શકતાં.” તેમના આધ્યાત્મિક વિચારો નિસર્ગ સાથે જોડાયેલા છે અને તેમના આ વિચારો-અનુભવથી જ તેઓ ટેંપલટન પુરસ્કાર મેળવી શક્યાં છે.

કોઈ ક્ષેત્રમાં આટલી લાંબી સફર હોય અને તેમાં કોઈ વિવાદ ન જડે તેવું બનવું અશક્ય છે. જેન ગુડાલના જીવનમાં પણ આવાં વિવાદ મળે છે. તેમણે જ્યારે ચિપાન્ઝીઓને નામ આપ્યાં ત્યારે તેનો વિરોધ અનેક પ્રાણીવિદોએ કર્યો. તે પહેલાં ચિપાન્ઝીની ઓળખ માટે નંબરો અપાતાં. પ્રાણીવિદોનું માનવું હતું કે નામ આપવાથી તેમના પર થતાં અભ્યાસમાં લાગણી પ્રધાન બાબત બની જાય છે તેનાથી અભ્યાસમાં મર્યાદા આવે છે. અને જ્યારે તેમણે ચિપાન્ઝીની ‘પર્સાનિલિટી’ હોય છે અને તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે પણ તેમનો વિરોધ થયો. આ સિવાય તેમણે ચિપાન્ઝીને આક્રમક ગણાવ્યા હતા તેનો પણ અન્ય અભ્યાસીએ ઇનકાર કરીને તેમના પર સવાલ ખડા કર્યા છે. તેમના એક પુસ્તકમાં નકલ કરવાનો પણ આરોપ છે. જોકે તે આરોપ તેમણે સ્વીકારીને વિવાદ ઉકેલ્યો છે. જેન ગુડાલ પુરું જીવન રોમાંચકારી રહ્યું છે અને તે રોમાંચ હવે તે લખાણ અને વક્તવ્ય દ્વારા વહેંચી રહ્યાં છે.


તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular