નવજીવન ન્યૂઝ. લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના એક ગામમાં પોલીસ સુરક્ષા હેઠળ દલિત યુવતીના લગ્નમાં વરરાજા વરઘોડો લઈને આવ્યા હતા. અહીંના એક ગામમાં દલિતોના સરઘસ પર પ્રતિબંધ છે. આ અંગે પિતાએ SPને પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી. જેમાં એક પિતાએ આક્ષેપ કર્યો હતો કે, ગામના ઉચ્ચ જાતિના લોકો ક્યારેય દલિતના પુત્ર કે પુત્રીના લગ્નમાં વરઘોડામાં ઘોડી પર સવારી કરવા દેતા નથી. આ મામલો સામે આવતાં જ SP ચક્રેશ મિશ્રાએ ગામના દરેક ખૂણે 60 પોલીસકર્મીઓને તૈનાત કરી દીધા અને ધામધૂમથી વરઘોડો નિકળ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, જુનાવાઈ વિસ્તારના લોહવાઈ ગામમાં રહેતી પુત્રીના પિતાએ સંભલના SP ચક્રેશ મિશ્રાને પત્ર મોકલ્યો હતો. ફરિયાદી રાજુ વાલ્મિકીએ લખ્યું છે કે, ઉચ્ચ જાતિના સમાજના લોકો ગામમાં દલિત પુત્ર કે પુત્રીના લગ્નમાં વરઘોડો કાઢવા દેતા નથી. દેશની આઝાદી પછી પણ આ પરંપરાનો અંત આવ્યો નથી. હવે તેમની પુત્રી રવીનાની જાન બદાયુન જિલ્લામાંથી આવી રહી છે, અને તે લોકો ઈચ્છે છે કે ગામમાં ઘોડા અને વાજિંત્રો સાથે વરઘોડો નીકળે. લોહવાઈએ ઉચ્ચ જાતિનું પ્રભુત્વ ધરાવતું ગામ છે અને અહીંના ઉચ્ચ જાતિના લોકો ક્યારેય દલિત પરિવારોને ધામધૂમથી લગ્ન કરવા દેતા નથી. ગામમાં દલિતોના વરઘોડો કાઢવા પર પ્રતિબંધ છે. જો કોઈ દલિત ગામમાં સરઘસ કાઢવાનો પ્રયાસ કરે તો તેને માર મારવામાં આવે છે. તેમના પાકને સિંચાઈ માટેનું પાણી પણ બંધ કરી દેવામાં આવે છે. SPએ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી. તેમણે તરત જ ગુનૌર વિસ્તારના CO આલોક કુમાર સિદ્ધુને પોલીસ સુરક્ષા હેઠળ દલિત પુત્રીનો વરઘોડો કાઢવાની સૂચના આપી હતી.

શુક્રવારે પિતા રાજુની પુત્રીના લગ્નમાં વરઘોડો ગામમાં પહોંચે તે પહેલા SPના નિર્દેશ પર CO આલોક કુમાર સિદ્ધુ પોલીસ દળ સાથે ગામમાં પહોંચ્યા હતા. તેમણે પરિવાર પાસેથી માહિતી લીધી. આ પછી દલિત પરિવારના વરઘોડોની સુરક્ષા માટે ગામમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન CO આલોક સિદ્ધુ, સ્ટેશન ઈન્ચાર્જ પુષ્કર મહેરા સહિત 14 ઈન્સ્પેક્ટર અને 44 પોલીસકર્મીઓએ સુરક્ષાની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત દલિત સમાજના અનેક મોટા આગેવાનો પણ લોહા માઇ ગામે પહોંચ્યા હતા. સમગ્ર લગ્ન શાંતિપૂર્ણ થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. દેશની આઝાદી પછી પહેલીવાર સંભલ જિલ્લાના લોહવાઈ ગામમાં એક દલિત વરરાજા ઘોડી પર ચઢ્યો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796