Saturday, June 3, 2023
HomeGeneralસલીમે થેલી સુંઘી અને કહ્યું- સાહેબ સુખડી છે, પોલીસને હાંશકારો થયો

સલીમે થેલી સુંઘી અને કહ્યું- સાહેબ સુખડી છે, પોલીસને હાંશકારો થયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-15): ગોપાલ અને સલીમ બે દિવસ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ હતા, જોકે હવે પીએસઆઈ ચૌધરી તેમની પુછપરછ કરે તેવી કોઈ માહિતી બાકી રહી નહોતી, ગોપાલ અને સલીમે પોતાના બધા પત્તા ખોલી નાખ્યા હતા, પરંતું નિયમ પ્રમાણે પોલીસે રિમાન્ડ માંગવા પડે તે માટે રિમાન્ડ માંગ્યા હતા. સલીમને કારણે પીએસઆઈ ચૌધરીએ પોતાના સ્ટાફને સૂચના આપી હતી કે સલીમ અને ગોપાલને લોકઅપમાં મુકવાને બદલે ડી સ્ટાફની ઓફિસમાં રાખવા તેવું જ થયું હતું, ગોપાલને સમજાતું નહોતું કે પોલીસનો આટલો સારો વ્યવહાર કેમ થઈ ગયો પણ આ બધી કમાલ સલીમની હતી. ગોપાલના મનમાં રહેલા અફસોસને સલીમે દુર કરી દીધો હતો પણ ગોપાલના મનમાં હજુ અનેક પ્રશ્નો હતા, કારણ રિમાન્ડ પુરા થયા પછી શું થશે વગેરે વગેરે… સલીમે તેને સમજાવ્યો હતો કે જો ભાઈ આપણે જે કર્યું તેમાં તું સફળ થયો હોત તો જેકપોટ લાગવાનો હતો, પણ કદાચ કુદરતે કઈક જુદી જ યોજના બનાવી છે. ગોપાલ તેની સામે જોતો રહ્યો ગોપાલને બધુ ઉપરથી જઈ રહ્યું હતું, ગોપાલે પુછ્યું જુદી યોજના એટલે, સલીમ હસવા લાગ્યો તે બંને ડી સ્ટાફની ઓફિસમાં બેઠા હતા, એટલે સલીમે આજુબાજુ જોયું અને પોતાનું મોંઢુ ગોપાલના કાન પાસે લાવી કહ્યું હવે થોડા દિવસ જેલ યાત્રાના ગ્રહો છે, ગોપાલને રીતસર કંપારી છુટી ગઈ કારણ તે માની રહ્યો હતો કે એક વખત પોલીસ કેસ થયો એટલે પોલીસ આપણને છોડી દેશે, તેણે પુછ્યું જેલમાં જવું પડશે, સલીમે માથું હકારમાં હલાવ્યું અને તેના ચહેરા ઉપર ગંભીરતા આવી ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું હવે તારે પોતાને સાચવવો પડશે. સલીમે જોયું તો ગોપાલના ચહેરા ઉપર ડર છવાઈ ગયો હતો, તેણે તેનો હાથ પકડતા કહ્યું ડરીશ નહીં જેલમાં પણ હું તારી સાથે છું.


કોર્ટમાં જતા પહેલા દાદા ગોપાલ અને સલીમ પાસે આવ્યા, દાદાએ કહ્યું તમને કોર્ટમાં રજુ કરવાના છે તમારા ઘરે કોઈ મેસેજ આપવાનો હોય તો આપી દો, ગોપાલ કઈ સમજ્યો નહીં, તેણે સલીમ સામે જોયું, સલીમે દાદાને કહ્યું જી દાદા એક ફોન કરવો છે ગોપાલના ઘરે. ગોપાલને સમજાયું નહીં, દાદાએ પોતાનો મોબાઈલ ફોન કાઢી સલીમના હાથમાં મુકયો, સલીમે ફોન ડાયલ કરતા પહેલા પુછ્યું તારા પપ્પાનો નંબર બોલ, ગોપાલ વિચારમાં પડ્યો કે પપ્પા સાથે શું વાત કરવી હશે. સલીમ તેનો ચહેરો જોઈ સમજી ગયો, સલીમે કહ્યું અરે જેલમાં જવાનું છે તારા માટે જરૂરી કપડા, બ્રશ વગેરે મંગાવવાનું છે. આ સાંભળી દાદાના ચહેરા ઉપર સ્મિત આવ્યું તેઓ સમજી ગયા કે સલીમ તો જુનો મુસાફરી છે તેને જેલમાં જવાની આદત હોવાને કારણે ત્યાં શું જરૂર પડશે તેની ખબર હતી.

- Advertisement -



ગોપાલે તરત કહ્યું પપ્પાને નહીં નીશીને ફોન કર અને તેણે નીશીનો નંબર આપ્યો. સલીમે ફોન જોડયો અને નીશીને આગળની પ્રોસીઝર સમજાવી તથા ગોપાલ માટે જરૂરી સામાન કોર્ટમાં લઈ આવવાની સૂચના આપી. બપોર થતાં દાદા પાછા આવ્યા તેમણે સલીમને ઈશારો કર્યો તે સમજી ગયો, તે ઊભો થયો, ગોપાલ હજી જમીન ઉપર બેઠો હતો, સલીમે તેને કહ્યું ભાઈ ચલો ઉઠો હવે જવાનો સમય થયો છે. ગોપાલ ઊભો થયો તેનો ચહેરો સુન્ન હતો, કારણ કોર્ટમાં ફરી મમ્મી-પપ્પા અને નીશી મળશે ત્યારે શું વાત કરીશ તેનો પ્રશ્ન હતો. ખાસ કરી પપ્પાની ચિંતા થતી હતી કારણ પપ્પાએ હજી સુધી તેની સાથે વાત કરી નહોતી. કદાચ પપ્પા હજી ગુસ્સામાં હતા, કદાચ ગુસ્સા કરતા તેમને વધારે દુઃખ થયું હશે. સલીમ અને ગોપાલ પોલીસની ગાડીમાં ગોઠવાઈ ગયા, પોલીસ તેમને કોર્ટમાં લઈ આવી, તેઓ આરોપીને બેસાડે તે બાંકડા ઉપર બેઠા હતા. ગોપાલની નજર કોર્ટમાં ચારે તરફ ફરી રહી હતી પણ મમ્મી પપ્પા અને નીશી નજરે પડતા નહોતા, ગોપાલને પ્રશ્ન હતો કે કેમ આવ્યા નહીં હોય, થોડીવાર થઈ, ગોપાલનું ધ્યાન દરવાજા તરફ ગયું, પપ્પા દરવામાં ઊભા હતા તેમની આંખો પણ ગોપાલને શોધી રહી હતી. એક વખત ગોપાલને મન થયું કે પપ્પા… તેમ કહી તે બુમ પાડે પણ તેની હિંમત થઈ નહીં પણ પપ્પાનું ધ્યાન તેમની તરફ ગયું ગોપાલના ધબકારા વધી ગયા કારણ પપ્પાનો ચહેરો તેઓ હજી દુખી અને ગુસ્સામાં હોવાનું કહેતો હતો, સલીમ આ બધુ જોઈ રહ્યો હતો. તેણે ગોપાલના પગ ઉપર હાથ મુકયો જાણે તે તેને હિંમત આપી રહ્યો હતો.


ગોપાલના પપ્પા તેમની તરફ આવ્યા તેમના એક હાથમાં કાપડનો થેલો અને બીજા હાથમાં પ્લાસ્ટીકની થેલી હતી, તે પાસે આવ્યા, તેમણે ગોપાલ સામે જોયું પણ નહીં, તેમણે સલીમ સામે જોતા કહ્યું આ કપડાં છે, તેમ કહી તેમણે કાપડનો થેલો સલીમ પાસે મુકયો અને ત્યાંથી તરત પાછા વળ્યા પણ ત્રણ ડગલાં ચાલી અને જાણે કંઈક યાદ આવ્યું હોય તેમ રોકાયા તેમના હાથમાં જે પ્લાસ્ટીકની થેલી હતી તેની તરફ જોયું અને પાછા ફર્યા. તે સલીમ પાસે આવ્યા, સલીમની બાજુમાં બાંકડા ઉપર ખાલી જગ્યા હતી ત્યાં થેલી મુકતા કહ્યું ગોપાલની મમ્મીએ તેની માટે કંઈક મોકલ્યું છે, એટલું કહી ત્યાંથી નીકળી ગયા, ત્યાં પોલીસવાળા ઊભા હતા તેમની નજર આ બધી ઘટનાઓ તરફ હતી તેમની આંખમાં પ્રશ્ન હતો કે થેલીમાં શું છે કારણ કાપડાના થેલામાં તો કપડાં હશે તેનો અંદાજ હતો પણ પ્લાસ્ટીકની થેલીમાં શું હશે તેની ખબર નહોતી. પપ્પા જતા સલીમે તરત થેલીને મારેલી ગાંઠ ખોલી તેણે થેલીમાં જોયું, ખાતરી કરવા થેલી પાસે નાક લાવી સુંઘયુ અને પછી પોલીસ સામે જોતા કહ્યું સુખડી છે સાહેબ, પોલીસના તહેરા ઉપર નીરાંત આવી, પણ સલીમે જોયું તો ગોપાલનો ચહેરો પડી ગયો, સુખડી ગોપાલને પ્રિય વાનગી હતી, જમ્યા પછી તેને સુખડી ખાવાની આદત હતી, એટલે મમ્મીએ સુખડી મોકલી હશે પણ આ સુખડી કેટલાં દિવસ ચાલશે.



ગોપાલની આંખમાં ઝળઝળીયા આવી ગયા, તેણે પોતાના શર્ટની બાયથી આંખો સાફ કરી ત્યાં જ બપોરની રિસેસ બાદ કોર્ટ શરૂ થઈ મેજીસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થતાં કોર્ટમાં હાજર બધા ઊભા થયા, મેજીસ્ટ્રેટ દ્વારા એક પછી કેસની સુનવણી શરૂ કરી. ગોપાલ અને સલીમનો કેસ બોર્ડ ઉપર આવ્યો, ગોપાલ અને સલીમ તેમની જગ્યાએ ઊભા થયા, દાદાએ સરકારી વકિલને કેસના કાગળો આપ્યા, મેજીસ્ટ્રેટે કાગળો જોયા અને ગોપાલ સલીમ સામે જોતા પુછ્યું કંઈ કહેવાનું છે, સલીમે તરત જવાબ આપ્યો… ના સાહેબ. મેજીસ્ટ્રેટ કહ્યું જયુડીશલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરૂ છું. ગોપાલને સમજાયું નહીં તેણે સલીમે સામે જોયું, સલીમે ધીમા અવાજે કહ્યું જેલમાં મોકલવાની વાત છે. અડધો કલાક પછી કોર્ટના કલાર્કે દાદાને કેટલાંક કાગળો આપ્યા, દાદાએ તે કાગળો લીધા પોતાના સ્ટાફને ઈશારો કર્યો. પોલીસવાળા સલીમ અને ગોપાલને લઈ કોર્ટની બહાર નીકળ્યા. ગોપાલ પોતાના પપ્પાને શોધી રહ્યો હતો, પણ પપ્પા કયાંય નહોતા. પોલીસના વાહનમાં બેસાડી તેમને જેલમાં લઈ જવા ગાડી બહાર નીકળી ગોપાલનું ધ્યાન પડ્યું પપ્પા કોર્ટ કેમ્પસમાં આવેલા બાંકડા ઉપર એકલા બેઠા હતા. ગોપાલે પોતાની નજર ફેરવી લીધી.


થોડીવાર માટે ગોપાલ વિચારોમાં સરી પડ્યો અને આ તરફ પોલીસની ગાડી રોડ પર ઝડપભેર ચાલવા લાગી. પોલીસની ગાડી એકદમ અટકી ગોપાલે બહાર જોયું તો તેમની ગાડી પાલનપુર જિલ્લા જેલની બહાર ઊભી હતી. પાલનપુરના નવાબે બનાવેલી આ જેલ હતી, ત્યાંરે સાંજના છ વાગી રહ્યા હતા.

(ક્રમશઃ)

PART 14 : કોર્ટ પરિસરમાં દોડતી નીશીના અચાનક પગ થંભી ગયા જાણે પગમાં ખીલ્લા ઠોંકાઈ ગયા હોય


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular