નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે ઉંડા કૂવામાં સિંહ ખાબકયો હતો. જે અંગે વન વિભાગને જાણ થતા ખાસ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે સિંહને બહાર કાઢ્યો હતો. વિભાગે સિંહને પાંજરે પુરવામાં પણ સફળતા મેળવી હતી. બાદમાં કેદ થયેલા સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો.
ગીર જંગલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓના માનવ વસ્તીવાળા વિસ્તારો સુધી શિકારની શોધમાં અનેકવાર ફરતા હોય છે. આવી જ રીતે અહીં ગામની નજીક આવી ગયેલો સિંહ કુવામાં ખાબકીયો હતો. આવા કિસ્સા પણ છાછવારે સામે આવતા હોય છે. ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે વાડીના ખુલ્લા કુવામાં શિકારની શોધમાં સિંહ (નર ઉં. ૩ વર્ષ) કૂવામાં ખાબક્યો હતો. કુવામાં સિંહ હોવાની વાડી માલિક પોપટભાઈ હિરપરાને જાણ થતાં વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમ સ્થળ પર સ્ટાફ સાથે દોડી આવી હતી. તંત્રએ સિંહને બહાર કાઢવા તજવીજ હાથ ધરી ખેતરના ઉંડા કુવામાંથી સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દોરડા વડે ખેંચી સલામત રીતે બહાર કાઢી કાંઠે રાખેલા પાંજરામાં કેદ કર્યો હતો. બાદમાં એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
(અહેવાલ-વીડિયો આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)