પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત એ પોલિટિકલ એક્ટિવિટીનું એપી સેન્ટર રહ્યું છે. ગુજરાતની નવી સરકારને હજુ એક વર્ષ થયું નથી, તે પહેલા ભાજપ હાઈ કમાન્ડની સૂચનાને આધારે પ્રધાન મંડળમાં ફેરફાર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી 24 કલાકમાં ગુજરાત પ્રધાન મંડળના કેટલાક મંત્રીઓના રાજીનામા લઈ તેમના ખાતાઓની ફેર ફાળવણી થાય તેવા સંકેતો છે. ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશને મળ્યા છે.
સૂચક બાબત એવી છે કે એક ધાર્મિક સમારંભમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમના અંગત સચિવે જાણ કરી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરવા માગે છે. ત્યાર બાદ તુરંત સી. આર. પાટિલ મંચ છોડી એકલામાં વાત કરી શકે તેવા સ્થળે જતાં રહ્યા હતા. જોકે ત્યાર બાદ પાછા ફરેલા સી. આર. પાટિલના ચહેરા ઉપર એક અજ્ઞાત પ્રકારનો તણાવ હતો.
સૂત્રોની જાણકારી પ્રમાણે ગુજરાતનાં કેટલાક મંત્રીઓ પોતાના વિભાગમાં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવી જાણકારી વડાપ્રધાન સુધી પહોંચતા ચોક્કસ પુરાવાઓ અને માહિતીને આધારે મંત્રીએ અંડર ટેબલ લીધેલા 20 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પાર્ટી કાર્યાલયમાં જમા કરાવવાની સૂચના આપી હતી.
આ સમગ્ર ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ભારે નારાજ થયા છે. તેમની હોમ પિચમાં જે પ્રકારે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે તેને ધ્યાનમાં લેતા કેટલાક આકરા નિર્ણયાઓ લેવાની ફરજ પડી છે. આગામી 24 કલાકમાં કેટલાક મંત્રીઓના ખાતાની ફેરબદલ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું અને પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતું લઈ લેવામાં આવ્યું છે.