નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં અગંત અદાવત રાખીને ફાયરિંગ અને હુમલો કરવાની ઘટના ગઈકાલે પોલીસ ચોપડે નોંધાઈ હતી. ગોમતીપુર વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યા થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીને ઝડપી પાડવા સક્રીય થઈ ગતી. ત્યારે આજે ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ આ બનાવના બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સુખરામનગર રોડ પર આવેલા ગજરા કોલોનીમાં રહેતાં મહેશ ઉર્ફે સુલતાન ડાહ્યાભાઈ વાઘેલા તેના અન્ય મિત્રો સાથે ચાલીના નાકે બેઠો હતો તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવાત રાખીને તેના ચાલીમાં રહેતા ભાવેશને માર માર્યો હતો. જોકે ત્યારબાદ ભાવેશ ઘરે જતો રહ્યો હતો. સુલતાન ભાવેશને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ગઈકાલે ભાવેશ તેના ચાલીના વ્યક્તિઓ સાથે ચાલીના નાકે બેઠો હતો. આ દરમિયાન સુલતાન સ્કોડા કારમાં અને તેના મિત્રો ધમો ત્રણ અજાણી વ્યક્તિ સાથે એક્ટીવા પર આવી પહોંચ્યા હતા.
ધમાએ તેની સાથે રહેલું તીક્ષ્ણ હથિયાર કાઠ્યું હતું અને તેમની સાથે રહેલા અજાણ્યા લોકોએ પ્રવાહી ભરેલી બોટલ ફેંકીને મારો મારોની બુમો પાડતા નાશ ભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભાગવામાં ઠોકર વાગતા જીતેન્દ્ર ચાવડા પડી ગયા હતા. જેથી ધમા જોડે રહેલા અજાણ્યા લોકોએ તેમને પકડી રાખ્યો હતો. જ્યારે ધમાએ તેને છરીના ધા મારી દીધા હતા. હિતેશ વાધેલા જીતેન્દ્રને છોડાવવા જતા ધમાએ તેની પાસે રહેલી રિવોલવરથી હિતેશના લમણે ધરીને ફાયરિંગ કર્યું હતું.
હિતેશને ગોળી વાગતા લોહી લુહાણ થતાં તેને સારવાર અર્થે 108 મારફતે એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વઘુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન હિતેશનું મોત નિપજ્યું હતું. સમગ્ર બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન. જી. સોલંકીની ટીમ દ્વારા માહિતીના આધારે સુલતાન અને ધર્મેશ ઉર્ફે ધમો વોલેરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મહેશ ઉર્ફે સુલતાન સામે અગાઉ વર્ષ 2012માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં, 2016થી 2020 સુધીમાં વાડજ પોલીસ સ્ટેશનમાં 7 ઈંગ્લીશ દારૂના કેસમાં અને મારામારીના કેસમાં અને 2021માં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના કેસમાં પકડાયો હતો.